ભારત સરકારે કોમનવેલ્થ ગેમ્સના આયોજનને લઈને એક મોટો નિર્ણય લીધો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં, યુવા બાબતો અને રમતગમત મંત્રાલયને 2030 કોમનવેલ્થ ગેમ્સના આયોજન માટે બોલી લગાવવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે.
આનો અર્થ એ થયો કે હવે સ્પષ્ટ થઈ ગયું છે કે ભારત કોમનવેલ્થ ગેમ્સ 2030 ની યજમાની માટે ઓક્શનમાં બોલી લગાવશે.
ગુજરાત સરકારને સહાય આપવા માટે મળી મંજૂરી
હોસ્ટ કોલાબ્રેશન એગ્રીમેન્ટ કોન્ટ્રાક્ટ પર મહોર મારવા માટેની આ બેઠકમાં ગુજરાત સરકારને ગ્રાન્ટ સહાય પણ મંજૂર કરવામાં આવી છે. જેથી જો ભારત કોમનવેલ્થની યજમાની માટે બિડ જીતે છે, તો તેના માટે નક્કર તૈયારીઓ કરી શકાય.
તમને જણાવી દઈએ કે 72 દેશોના ખેલાડીઓ 2030 ના કોમનવેલ્થ ગેમ્સમાં ભાગ લેશે. જો ખેલાડીઓની સાથે કોચ, ટેકનિકલ અધિકારીઓ, ફેન્સ, મીડિયાના લોકો પણ ભારત આવે, તો સ્થાનિક વ્યવસાયોને ઘણો ફાયદો થશે અને લોકોની આવક પણ વધશે.
અમદાવાદ કરી શકે છે હોસ્ટ
કોમનવેલ્થ ગેમ્સનું આયોજન કરવા માટે અમદાવાદ પહેલી પસંદગી છે. અહીં વિશ્વ કક્ષાની સુવિધાઓ ઉપલબ્ધ છે. અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જે વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ છે, તે 2023ના ICC ક્રિકેટ ODI વર્લ્ડકપ ફાઈનલનું સફળતાપૂર્વક આયોજન કરી ચૂક્યું છે. જો કોમનવેલ્થ ગેમ્સ ભારતમાં યોજાશે, તો તેનાથી ભારતમાં પ્રવાસન વધશે. આ સિવાય ભારતના યુવા ખેલાડીઓને રમતગમતમાં કરિયર બનાવવાની પ્રેરણા પણ મળશે.









