યુએસ ઓપનમાં શુક્રવારે (4 સપ્ટેમ્બર) એક અત્યંત વિચિત્ર દ્રશ્ય જોવા મળ્યું હતું. લુઇસ આર્મસ્ટ્રોંગ સ્ટેડિયમમાં વિશ્વની નંબર-1 ટેનિસ ખેલાડી આર્યના સબાલેન્કાએ મેચ દરમિયાન રમત અટકાવીને ફરિયાદ કરવી પડી હતી. રમત રોકવાનું કારણ ના વરસાદ, ના કોઈ ઈજા કે ટેકનિકલ ખામી નહીં, પરંતુ સ્ટેન્ડમાંથી આવી રહેલી ગાંજાની (Marijuana) તીવ્ર ગંધ હતી. રમત રમતી વખતે સ્ટેડિયમમાંથી આવતા ગાંજાની ગંધ સબાલેન્કાને સહન ના થઈ અને એમ્પાયરને ફરીયાદ કરી.
સ્ટેન્ડમાંથી આવતી તીવ્ર ગંધથી સબાલેન્કા પરેશાન
લુઇસ આર્મસ્ટ્રોંગ સ્ટેડિયમમાં કમિલા રાખીમોવા સામે ત્રીજા રાઉન્ડની મેચ દરમિયાન આ ઘટના બની હતી. મેચની ત્રીજી ગેમમાં જ્યારે સબાલેન્કા 30-0 ના સ્કોર પર સર્વ કરી રહી હતી, ત્યારે કોર્ટના દક્ષિણ છેડેથી તેને ગાંજાની ગંધ આવી હતી. તેણે તુરંત ચેર અમ્પાયર તરફ ફરીને સ્ટેન્ડ તરફ ઈશારો કર્યો અને કહ્યું, "કોઈ ગાંજો પી રહ્યું છે. શું તમે તેના વિશે કંઈક કરશો? કારણ કે આ ગંધ ખૂબ જ તીવ્ર છે અને તેને અવગણવી મુશ્કેલ છે."
અમ્પાયરે સ્ટાફને સ્ટેન્ડમાં મોકલ્યો
સબાલેન્કાની ફરિયાદ બાદ અમ્પાયરે તુરંત સ્ટેડિયમ સ્ટાફને મદદ માટે બોલાવ્યા હતા. યુએસ ઓપન સ્ટાફે સ્ટેન્ડમાં જઈને ગંધ ક્યાંથી આવી રહી છે તેની તપાસ હાથ ધરી હતી. આ ઘટનાના કારણે મેચ થોડા સમય માટે રોકવી પડી હતી, પરંતુ પરિસ્થિતિ થાળે પડતાં રમત ફરી શરૂ કરવામાં આવી હતી.
એડ્રિયન મન્નારિનોએ પણ કરી હતી ફરિયાદ
માત્ર સબાલેન્કા જ નહીં, પરંતુ ટેનિસ ખેલાડી એડ્રિયન મન્નારિનોએ પણ આ ટુર્નામેન્ટ દરમિયાન સ્ટેન્ડમાંથી આવતી ગાંજાની ગંધ સામે નારાજગી વ્યક્ત કરી હતી. વિવાદ છતાં સબાલેન્કા ચોથા રાઉન્ડમાં પહોંચી. આ સમગ્ર નાટક અને વિક્ષેપ છતાં સબાલેન્કાના પ્રદર્શન પર કોઈ ખાસ અસર પડી નહોતી. બેલારુસિયન ખેલાડી સબાલેન્કાએ આક્રમક રમત રમીને કમિલા રાખીમોવાને પરાજય આપ્યો હતો અને ચોથા રાઉન્ડમાં પોતાની જગ્યા પાકી કરી હતી. આ જીત સાથે જ યુએસ ઓપન ટાઈટલ ડિફેન્ડ કરવાનું તેનું અભિયાન સફળતાપૂર્વક આગળ વધી રહ્યું છે.