યુએસ ઓપન 2026ના મેન્સ સિંગલ્સ ફાઇનલ મેચનું ચિત્ર હવે સ્પષ્ટ થઈ ગયું છે. આગામી 14 સપ્ટેમ્બરની સવારે ખિતાબી મુકાબલામાં જર્મનીના અલેક્ઝેન્ડર ઝવેરેવનો સામનો અમેરિકન ખેલાડી બેન શેલ્ટન સામે થશે. ઝવેરેવ પોતાની ટેનિસ કારકિર્દીમાં બીજી વખત યુએસ ઓપનના ફાઇનલમાં પહોચ્યો છે, જ્યારે અગાઉ તે ફાઇનલ મેચ હારી ચૂક્યા છે. સેમિફાઇનલ મેચમાં ઝવેરેવનો મુકાબલો રશિયાના કારેન ખાચાનોવ સામે થયો હતો, જેમાં તેણે શાનદાર પ્રદર્શન કરતા 3-0થી વિજય મેળવ્યો હતો. બીજી તરફ, બેન શેલ્ટને સેમિફાઇનલ મુકાબલામાં પોતાના જ દેશના ટેનિસ ખેલાડી ફ્રાન્સિસ ટિયાફોને હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.

કાંટાની ટક્કરમાં મેળવ્યો વિજય 

સેમિફાઇનલ મેચની શરૂઆતથી જ અલેક્ઝેન્ડર ઝવેરેવે રશિયન ખેલાડી કારેન ખાચાનોવ સામે પોતાનું વર્ચસ્વ જમાવી લીધું હતું. પહેલા જ સેટમાં ખાચાનોવ 6-3થી પરાજિત થયા બાદ બીજા સેટમાં બંને ખેલાડીઓ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી હતી. આ સેટ ટાઈ-બ્રેકર સુધી પહોંચ્યો હતો, જેમાં ઝવેરેવે 7-6થી જીત મેળવીને મેચમાં 2-0ની સરસાઈ મેળવી લીધી હતી. ત્રીજા સેટમાં પણ બંને વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી અને તે પણ ટાઈ-બ્રેકરમાં જતાં ઝવેરેવે 7-6થી પોતાના નામે કર્યો હતો. નોંધનીય છે કે ઝવેરેવ આ વર્ષે સતત ત્રીજી વખત કોઈ ગ્રાન્ડ સ્લેમની ફાઇનલમાં પહોંચવામાં સફળ રહ્યો છે, જેમાં તેણે ફ્રેન્ચ ઓપનમાં વિજય મળ્યો હતો, જ્યારે વિમ્બલ્ડનમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો.

https://twitter.com/usopen/status/2098537057668706743

ફાઇનલ મેચ ઝવેરેવ માટે પડકારજનક

અમેરિકન યુવા ખેલાડી બેન શેલ્ટને પોતાની કારકિર્દીમાં પ્રથમ વખત કોઈ ગ્રાન્ડ સ્લેમની ફાઇનલની ટિકિટ મેળવી છે. યુએસ ઓપન 2026માં શેલ્ટનનું પ્રદર્શન અત્યંત પ્રભાવશાળી રહ્યું છે, ખાસ કરીને ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં તેણે દિગ્ગજ ખેલાડી કાર્લોસ અલ્કારાઝને હરાવીને મોટો ઉલટફેર કર્યો હતો. સેમિફાઇનલમાં તેણે ટિયાફો સામે ચાર સેટ સુધી ચાલેલી સંઘર્ષપૂર્ણ મેચ 3-1થી જીતી લીધી હતી. શરૂઆતી સેટમાં 6-4થી હાર્યા બાદ શેલ્ટને શાનદાર વાપસી કરી હતી અને પછીના ત્રણેય સેટ અનુક્રમે 6-3, 6-3 અને 7-5થી જીતી લીધા હતા. જો કે, ફાઇનલની મેચ તેના માટે સરળ નહીં રહે, કારણ કે ઝવેરેવ સામે અત્યાર સુધી રમાયેલી પાંચેય મેચમાં શેલ્ટનને હારનો સામનો કરવો પડ્યો છે.