એશિયન ગેમ્સ 2026માં ભારતના મિક્સ્ડ માર્શલ આર્ટ્સ ખેલાડી વરુણ સાન્યાલ માટે મુશ્કેલ સ્થિતિ સર્જાઈ હતી. વજન ઘટાડવાના પ્રયાસ દરમિયાન તેમની તબિયત લથડી હતી અને તેઓ બેભાન થઈ ગયા હતા. ત્યારબાદ તેમને તબીબી સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. હાલમાં તેઓ જોખમની બહાર હોવાનું જણાવવામાં આવ્યું છે, પરંતુ ડૉક્ટરોએ તેમને મુકાબલા માટે મેડિકલ રીતે અનફિટ જાહેર કર્યા હોવાથી તેઓ ક્વાર્ટરફાઇનલ રમ્યા વિના જ એશિયન ગેમ્સમાંથી બહાર થઈ ગયા છે.
વજન ઘટાડવા ગયા હતા સૉનામાં
મીડિયા રિપોર્ટ અનુસાર વરુણ સાન્યાલ વજન ઘટાડવા માટે રાત્રે સૉનામાં ગયા હતા. રાત્રે લગભગ 1 વાગ્યે તેઓ ત્યાં બેભાન થઈ ગયા હતા.સદનસીબે નેપાળના એક ખેલાડીએ તેમને બેભાન હાલતમાં જોયા અને તાત્કાલિક તબીબી મદદ પહોંચાડવામાં મહત્વની ભૂમિકા ભજવી.માહિતી મળતાં ભારતીય અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને વરુણને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.તબીબી તપાસ બાદ તેઓ જોખમની બહાર હોવાનું જાણવા મળ્યું હતું.જોકે,તેમની સ્થિતિને ધ્યાનમાં રાખીને ડૉક્ટરોએ તેમને સ્પર્ધામાં ભાગ લેવા માટે અનફિટ જાહેર કર્યા.સૉના ગરમ વાતાવરણવાળું સ્થળ હોય છે,જ્યાં શરીરમાંથી પરસેવો નીકળે છે. રમતવીરો ક્યારેક વજન કેટેગરી સાથે જોડાયેલી સ્પર્ધાઓ પહેલાં વજન ઘટાડવાના પ્રયાસમાં તેનો ઉપયોગ કરતા હોય છે.જોકે,વજન ઘટાડવાની પ્રક્રિયા દરમિયાન શરીરમાં પાણી અને અન્ય જરૂરી તત્વોની કમી થવાથી તબીબી જોખમ ઊભું થઈ શકે છે.
