હોકીના ચાહકો માટે સારા સમાચાર છે. Hockey Indiaએ Men's Asian Champions Trophy Punjab 2026ની તમામ મેચ માટે ફ્રી એન્ટ્રીની જાહેરાત કરી છે. એટલે કે ચાહકો કોઈ ટિકિટના પૈસા આપ્યા વિના સ્ટેડિયમમાં બેસીને એશિયાની ટોચની ટીમોની મેચ જોઈ શકશે. આ ટૂર્નામેન્ટ 27 ઓક્ટોબરથી 5 નવેમ્બર સુધી પંજાબના જલંધર અને મોહાલીમાં રમાશે. જોકે, સ્ટેડિયમમાં પ્રવેશ મેળવવા માટે ચાહકોએ પહેલાં રજિસ્ટ્રેશન કરીને ડિજિટલ પાસ મેળવવો પડશે.

20 મેચ જોવા માટે નહીં આપવા પડે પૈસા

Men's Asian Champions Trophyમાં કુલ 20 મેચ રમાશે. આ તમામ મેચ જલંધરના ઓલિમ્પિયન સુરજીત સિંહ હોકી સ્ટેડિયમ અને મોહાલીના ઓલિમ્પિયન બલબીર સિંહ સિનિયર ઇન્ટરનેશનલ હોકી સ્ટેડિયમમાં યોજાશે. ટૂર્નામેન્ટની લીગ મેચો 27 ઓક્ટોબરથી 2 નવેમ્બર સુધી જલંધરમાં રમાશે. ત્યારબાદ 4 નવેમ્બરે સેમિફાઇનલ અને 5 નવેમ્બરે મેડલ માટેની મેચો મોહાલીમાં યોજાશે. 

ફ્રી એન્ટ્રી પાસ કેવી રીતે મળશે?

ચાહકોને મેચ જોવા માટે ફ્રી એન્ટ્રી પાસ મેળવવો પડશે. આ માટે Ticketgenieની વેબસાઇટ અથવા તેની મોબાઇલ એપ પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજિસ્ટ્રેશન બાદ ચાહકો પોતાની પસંદગીની મેચ પસંદ કરી શકશે. ત્યારબાદ QR કોડવાળો ડિજિટલ પાસ મળશે. સ્ટેડિયમમાં પ્રવેશ વખતે આ QR કોડ સ્કેન કરાવવો પડશે.

ફ્રી પાસ માટે અહીં રજિસ્ટ્રેશન કરો: Ticketgenie – Men's Asian Champions Trophy 2026

હોકી ઇન્ડિયાએ કેમ લીધો આ નિર્ણય?

Hockey Indiaના પ્રમુખ દિલીપ તિર્કીએ કહ્યું કે ફ્રી એન્ટ્રી આપવાનો હેતુ વધુમાં વધુ ચાહકોને સ્ટેડિયમ સુધી લાવવાનો છે. તેનાથી લોકોને નજીકથી આંતરરાષ્ટ્રીય હોકી જોવાની તક મળશે. Hockey Indiaના મહાસચિવ ભોલા નાથ સિંહે પણ આશા વ્યક્ત કરી કે જલંધર અને મોહાલીના સ્ટેડિયમમાં મોટી સંખ્યામાં ચાહકો પહોંચશે. તેમણે કહ્યું કે પંજાબમાં હોકીનું ખાસ સ્થાન છે અને વધુ લોકો આ રમત સાથે જોડાય તે જરૂરી છે. 

ભારતની પહેલી મેચ બાંગ્લાદેશ સામે

ભારતીય ટીમ ટૂર્નામેન્ટમાં પોતાના અભિયાનની શરૂઆત 27 ઓક્ટોબરે બાંગ્લાદેશ સામે કરશે. ત્યારબાદ ભારતની મેચો આ પ્રમાણે રહેશે:

• 27 ઓક્ટોબર: ભારત સામે બાંગ્લાદેશ

• 29 ઓક્ટોબર: ભારત સામે ચીન

• 30 ઓક્ટોબર: ભારત સામે જાપાન

• 1 નવેમ્બર: ભારત સામે મલેશિયા

• 2 નવેમ્બર: ભારત સામે દક્ષિણ કોરિયા

ભારત આ ટૂર્નામેન્ટમાં પોતાના ખિતાબનો બચાવ કરવા ઉતરશે. પંજાબમાં 17 વર્ષ બાદ આંતરરાષ્ટ્રીય હોકીનું આયોજન થઈ રહ્યું હોવાથી આ ટૂર્નામેન્ટનું ખાસ મહત્ત્વ છે.

આ પણ વાંચો: Cristiano Ronaldoને મોટો ઝટકો! પ્રતિબંધ લાગતાં ફૂટબોલ જગતમાં ખળભળાટ