આઈચી-નાગોયા એશિયન ગેમ્સ 2026માં ભારતીય શૂટર નીરુ ધાંડાએ મહિલા ટ્રેપ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતીને એક નવો ઈતિહાસ રચી દીધો છે. આ સાથે જ તેઓ એશિયન ગેમ્સમાં વ્યક્તિગત ટ્રેપ ઈવેન્ટમાં સુવર્ણચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય મહિલા ખેલાડી બની ગયા છે. નીરુએ ફાઈનલમાં 28 હિટ સાથે નવો એશિયન રેકોર્ડ પણ પોતાના નામે કર્યો છે.

શાનદાર પ્રદર્શન સાથે તોડ્યો એશિયન રેકોર્ડ

મહિલા ટ્રેપની ફાઈનલમાં 26 વર્ષીય નીરુએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરતા 39માંથી 28 નિશાન સાધ્યા હતા. તેમણે અગાઉના 24 હિટના એશિયન રેકોર્ડને તોડીને નવો કીર્તિમાન સ્થાપિત કર્યો. આ સ્પર્ધામાં ચીનની સુન યુનોંગે 26 હિટ સાથે સિલ્વર અને કુવૈતની હજર અબ્દુલમલિકે 21 હિટ સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. નીરુનો આ ગોલ્ડ મેડલ 2026 એશિયન ગેમ્સમાં ભારત માટે પાંચમો ગોલ્ડ મેડલ હતો. આ સિદ્ધિ પહેલાં જ તેમણે મનીષા કીર અને આશિમા અહલાવત સાથે મળીને ટીમ ઈવેન્ટમાં પણ ભારતને સિલ્વર મેડલ અપાવ્યો હતો.

ભારતીય સેનામાં નાયબ સુબેદાર અને ખેલો ઈન્ડિયાથી શરૂ થયેલી કારકિર્દી

હરિયાણાના જીંદ જિલ્લાના વતની અને રાષ્ટ્રીય ચેમ્પિયન નીરુ ધાંડા ભારતીય સેનામાં નાયબ સુબેદાર તરીકે સેવા આપે છે. તે ખેલો ઈન્ડિયા એથ્લીટ છે અને નેશનલ સેન્ટર્સ ઓફ એક્સેલન્સ સેટઅપનો હિસ્સો છે. પોતાના જ વિસ્તારના એશિયન ગેમ્સ મેડલિસ્ટ લક્ષય શિયોરનથી પ્રેરિત થઈને તેમણે શૂટિંગ શરૂ કર્યું હતું. 2019માં મધ્યપ્રદેશ શૂટિંગ એકેડેમીના ટેલેન્ટ હંટ દ્વારા પસંદગી પામેલા નીરુએ દિલ્હી અને ભોપાલ બંને જગ્યાએ તાલીમ મેળવી છે.

વર્લ્ડ કપથી એશિયન ગેમ્સ સુધીની શાનદાર સફર

વર્ષ 2026 નીરુ ધાંડા માટે સફળતાઓથી ભરેલું રહ્યું છે. એશિયન ગેમ્સ પહેલાં, આ જ વર્ષની શરૂઆતમાં તેમણે ઇટાલીના લોનાટો ખાતે યોજાયેલા ISSF શોટગન વર્લ્ડ કપ 2026માં મહિલા ટ્રેપ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો, જે તેમની આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો પ્રથમ વ્યક્તિગત ગોલ્ડ હતો.

નીરુની સિદ્ધિ બદલ કોચે કરી પ્રશંસા

તેમના કોચ માનસેર સિંહે નીરુની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે, "નીરુ માનસિક રીતે ખૂબ જ મજબૂત અને નિરંતર છે. તે સરળતાથી હાર માનતી નથી અને આ જ ગુણ તેને અન્ય ખેલાડીઓથી અલગ પાડે છે."