વૈશ્વિક ફલક પર ભારતનું નામ રોશન કરતાં ભારતીય ખેલાડીઓએ વર્લ્ડ યોગાસન ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. સ્પર્ધાના પ્રથમ દિવસે જ ભારતે પોતાની તાકાત બતાવીને કુલ 6 કેટેગરીમાંથી 5 કેટેગરીમાં ગોલ્ડ મેડલ (સુવર્ણ ચંદ્રક) જીતીને ઈતિહાસ રચી દીધો છે. ટ્રેડિશનલ યોગાસન ઇવેન્ટમાં ભારતીય યોગવીરોએ પોતાની અદ્ભુત ક્ષમતાનું પ્રદર્શન કરીને વિશ્વભરના સ્પર્ધકોને પાછળ છોડી દીધા હતા.


વિવિધ કેટેગરીમાં આ ખેલાડીઓએ જીત્યા ગોલ્ડ મેડલ

સ્પર્ધાના પ્રથમ દિવસે ભારતે સિંગલ્સ કેટેગરીમાં એકપછી એક સફળતા મેળવી હતી.

સિનિયર મેલ કેટેગરી: અભય બર્મને શાનદાર પ્રદર્શન કરી ભારતને આ ચેમ્પિયનશિપનો પહેલો ગોલ્ડ મેડલ અપાવ્યો હતો.

સિનિયર ફીમેલ કેટેગરી: રીતુ મોંડલે પોતાની કળાના જોરે ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો.

સિનિયર-એ ફીમેલ કેટેગરી: રીતુ ઠાકુરે પણ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને સુવર્ણ ચંદ્રક જીત્યો હતો.

સિનિયર-બી મેલ કેટેગરી: રોશન થાપાએ શાનદાર આસનો રજૂ કરી દેશ માટે ગોલ્ડ મેળવ્યો હતો.

ટ્વિસ્ટિંગ બોડી ઇન્ડિવિજ્યુઅલ: જ્યોતિ દેવરકરે પોતાની અદભુત ફ્લેક્સિબિલિટી બતાવીને પાંચમો ગોલ્ડ મેડલ ભારતની ઝોળીમાં નાખ્યો હતો.

સિંગાપોરે ભારતનો ક્લીન સ્વીપ અટકાવ્યો

ભારતીય ખેલાડીઓ તમામ 6 કેટેગરીમાં સોનાના પદક જીતવાની સાવ નજીક પહોંચી ગયા હતા, પરંતુ માત્ર એક કેટેગરીમાં ભારત ચૂક્યું હતું. આ એક કેટેગરીમાં સિંગાપોરના ખેલાડીએ બાજી મારીને ભારતની ક્લીન સ્વીપ (તમામ મેડલ જીતવાની) હેટ્રિક અટકાવી દીધી હતી. આમ છતાં, પહેલા જ દિવસે 5 ગોલ્ડ મેડલ જીતીને ભારતે મેડલ ટેલીમાં પોતાની મજબૂત પકડ બનાવી લીધી છે અને આગામી દિવસોમાં પણ દેશને વધુ મેડલ મળવાની આશા સેવાઈ રહી છે.

વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: