એક તરફ પાકિસ્તાનની રાષ્ટ્રીય હોકી ટીમ આગામી FIH વર્લ્ડ કપ અને પ્રો લીગની તૈયારીઓમાં વ્યસ્ત છે, ત્યારે બીજી તરફ ખેલાડીઓની આર્થિક બદહાલીએ પાકિસ્તાન હોકી ફેડરેશન (PHF) ની પોલ ખોલી નાખી છે. પાકિસ્તાનમાં હોકીના હાલ એટલા ખરાબ છે કે, રાષ્ટ્રીય ટીમના ખેલાડીઓ પોતાના જ બોર્ડ પાસે બાકી નીકળતા પૈસા અને દૈનિક ભથ્થા (Daily Allowance) માટે આજીજી કરી રહ્યા છે.
ખેલાડીઓનું ભથ્થું રૂ. 3000 થી ઘટાડી રૂ. 1000 કરાયું!
પાકિસ્તાન હોકી ફેડરેશને વિદેશી પ્રવાસો માટે ખેલાડીઓ અને અધિકારીઓને દરરોજ 110 યુએસ ડોલર આપવાની મોટી-મોટી જાહેરાતો તો કરી દીધી છે, પરંતુ ખેલાડીઓનો આરોપ છે કે, તેમને હજુ સુધી જૂની બાકી રકમ પણ મળી નથી. આ ઉપરાંત, હોમ ટ્રેનિંગ કેમ્પ દરમિયાન અપાતું દૈનિક ભથ્થું 3000 પાકિસ્તાની રૂપિયાથી ઘટાડીને માત્ર 1000 રૂપિયા કરી દેવામાં આવ્યું છે.
'રાષ્ટ્રીય ખેલાડીઓનું અપમાન છે'
બોર્ડના આ વલણ સામે પાકિસ્તાની ખેલાડીઓએ ભારે નારાજગી વ્યક્ત કરી છે. ખેલાડીઓનું કહેવું છે કે, રોજિંદા 1000 રૂપિયામાં કોઈ આંતરરાષ્ટ્રીય ખેલાડી કેવી રીતે તૈયારી કરી શકે? નામ ન આપવાની શરતે એક ખેલાડીએ જણાવ્યું કે, PHF પહેલા પણ મોટા વાયદા કરતું આવ્યું છે, પરંતુ ક્યારેય સમયસર ચૂકવણી થતી નથી. હવે 110 ડોલર આપવાની વાત કરાય છે, પણ પૈસા હાથમાં આવશે ત્યારે જ ભરોસો બેસશે. અન્ય એક ખેલાડીએ આ નિર્ણયને શરમજનક ગણાવતા કહ્યું કે, આનાથી ખેલાડીઓનું મનોબળ તૂટી રહ્યું છે.
20 સભ્યોની ટીમ જાહેર, પણ કેપ્ટન ગાયબ!
આગામી મહિને બેલ્જિયમ અને ઈંગ્લેન્ડમાં રમાનારી FIH પ્રો લીગની મેચો માટે પાકિસ્તાને 20 સભ્યોની ટીમની જાહેરાત તો કરી દીધી છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે, ટીમનો કેપ્ટન કોણ હશે તેની કોઈ જાહેરાત કરાઈ નથી. શકીલ અહમદ બટ ગયા વર્ષથી ટીમની કપ્તાની સંભાળી રહ્યા હતા, પરંતુ આ વખતે ફેડરેશનની ચુપ્પીએ ખેલાડીઓમાં અસંતોષ અને શંકાઓ વધારી દીધી છે.
પ્રો લીગમાં ભારત સામે ટક્કર
FIH પ્રો લીગનો ત્રીજો તબક્કો 13 જૂનથી 27 જૂન દરમિયાન રમાશે. આ ટૂર્નામેન્ટમાં પાકિસ્તાનની ટીમ બેલ્જિયમ, સ્પેન, ઈંગ્લેન્ડ અને કટ્ટર હરીફ ભારત સામે મેદાનમાં ઉતરશે. પ્રો લીગ પૂરી થયા બાદ પાકિસ્તાની ટીમ FIH વર્લ્ડ કપમાં ભાગ લેવા રવાના થશે, પરંતુ વર્લ્ડ કપ જેવા મોટા પ્લેટફોર્મ પહેલા ખેલાડીઓની આ માનસિક અને આર્થિક સ્થિતિ પાકિસ્તાની હોકી માટે ચિંતાનો વિષય બની છે.
આ પણ વાંચો - Hormuz Strait News: બે જહાજો અચાનક ગાયબ થતા સેટેલાઇટથી શરૂ કરાઇ શોધખોળ