ન્યૂઝીલેન્ડની ભૂતપૂર્વ સુકાની અને અનુભવી ઓલ-રાઉન્ડર સોફી ડિવાઇનને WPL 2026ની હરાજીમાં ગુજરાત જાયન્ટ્સે રૂપિયા 2 કરોડની જંગી રકમમાં ખરીદી છે. વ્યક્તિગત કારણોસર અગાઉની સિઝનમાંથી વિરામ લીધા બાદ આ તેમનું વુમન્સ પ્રીમિયર લીગ (WPL)માં પુનરાગમન છે. અગાઉ, ડિવાઇન 2023 અને 2024માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) માટે રમી હતી અને 2024ની ટાઇટલ વિજેતા ટીમનો તે મુખ્ય ભાગ હતી. WPLમાં તેના 18 મેચના પ્રદર્શનમાં તેણે 153.44 ના ધમાકેદાર સ્ટ્રાઇક રેટથી 402 રન બનાવ્યા છે અને 9 વિકેટ પણ લીધી છે. ગુજરાત જાયન્ટ્સ સામે 2024માં બનાવેલો તેનો 36 બોલમાં 99 રનનો સ્કોર હજી પણ ટૂર્નામેન્ટના ઇતિહાસમાં સંયુક્ત રીતે સૌથી મોટો વ્યક્તિગત સ્કોર છે.
સોફી ડિવાઇને આંતરરાષ્ટ્રીય વન-ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી
આ હરાજીના થોડા સમય પહેલાં જ, સોફી ડિવાઇને આંતરરાષ્ટ્રીય વન-ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી હતી. આંધ્ર ક્રિકેટ એસોસિએશન-વિશાખાપટ્ટનમ (ACA-VDCA) સ્ટેડિયમ ખાતે ઇંગ્લેન્ડ સામેની મહિલા વર્લ્ડ કપ દરમિયાનની મેચ તેની 159મી અને અંતિમ વન-ડે હતી, જેમાં તેણે 23 રન બનાવ્યા હતા અને એક વિકેટ લીધી હતી. ડિવાઇને 2020 થી ન્યૂઝીલેન્ડની સુકાની તરીકે પણ ફરજ બજાવી હતી અને ગત વર્ષે દુબઈમાં ટી20 વર્લ્ડ કપમાં ટીમને વિજય પણ અપાવ્યો હતો.













