વુમન્સ પ્રીમિયર લીગ (WPL) તેના 2023માં પ્રારંભ થયા પછી પ્રથમ વખત વિસ્તરણ કરવા જઈ રહી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ બે વર્ષ પહેલા માત્ર પાંચ ટીમો સાથે આ લીગ શરૂ કરી હતી. જોકે, ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં પહેલેથી જ દસ ટીમો હોવાથી, ઘણા લોકોએ WPL માટે માત્ર પાંચ ટીમોને અપૂરતી ગણી હતી. પરંતુ મહિલા ક્રિકેટ પુરુષ ક્રિકેટ કરતાં વિકાસમાં પાછળ હોવાથી, BCCI એ પાંચ ટીમોનો આંકડો યોગ્ય માન્યો હતો. હવે, WPLની સફળતા જોતા BCCI દ્વારા ટીમોની સંખ્યા વધારવાનો નિર્ણય લેવાયો છે, જેની પુષ્ટિ દિલ્હી કેપિટલ્સ (DC) ના સહ-માલિક પાર્થ જિંદાલ દ્વારા WPL 2026 મેગા ઓક્શન દરમિયાન કરવામાં આવી છે.
IPLની જેમ 'હોમ એન્ડ અવે' ફોર્મેટનો માર્ગ ખુલશે
પાર્થ જિંદાલના કહેવા મુજબ, WPL માં વધુ એક ટીમ ઉમેરાવાથી માત્ર ટીમોની સંખ્યા જ નહીં, પણ ટૂર્નામેન્ટનું માળખું પણ બદલાશે. હાલમાં, WPL માત્ર બે સ્થળો (નવી મુંબઈ અને વડોદરા) સુધી મર્યાદિત છે અને એક મહિનામાં માત્ર 22 મેચો રમાય છે. પરંતુ જિંદાલે પત્રકારોને જણાવ્યું કે, "મને ખાતરી છે કે BCCI WPL માં વધુ એક ટીમ ઉમેરશે. IPLની જેમ 'હોમ અને અવે' ફોર્મેટ આદર્શ છે. વધુ ટીમો ઉમેરાયા પછી BCCI આ બાબતે ચોક્કસ ધ્યાન આપશે. આ જ કારણ છે કે તેમણે હાલનું WPL ચક્ર આટલું ટૂંકું રાખ્યું છે." વધુ ટીમ ઉમેરાવાથી IPL ની જેમ જ વધુ મેચો રમાશે અને વધુ શહેરોને મેચોનું આયોજન કરવાનો લાભ મળશે.













