WWEના રિંગમાં પોતાના હાઈ-ફ્લાઈંગ મૂવ્સ અને માસ્કથી દુનિયાભરના ચાહકોના દિલ જીતનાર રે મિસ્ટિરિયો હવે પોતાની કારકિર્દીની છેલ્લી લડાઈ માટે તૈયાર થઈ રહ્યા છે. ત્રણ દાયકાથી વધુ સમય સુધી રેસલિંગની દુનિયામાં પ્રભુત્વ જમાવનાર આ દિગ્ગજે નિવૃત્તિની જાહેરાત કરીને ચાહકોને ભાવુક કરી દીધા છે. તેમણે પોતાની અંતિમ મેચ માટે 12 જૂન 2027ની તારીખ નક્કી કરી છે. ખાસ વાત એ છે કે આ છેલ્લી ફાઇટ તેમના પોતાના દેશ મેક્સિકોમાં રમાશે. WWE Survivor Series: WarGames બાદ તેમણે આ જાહેરાત કરી હતી. જોકે, અંતિમ મેચમાં તેમનો સામનો કયા રેસલર સામે થશે તે સસ્પેન્સ હજુ યથાવત્ છે.
12 જૂન 2027એ મેક્સિકોમાં રમશે છેલ્લી મેચ
રે મિસ્ટિરિયોએ WWE Survivor Series: WarGamesના પોસ્ટ-શો દરમિયાન પોતાની નિવૃત્તિની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું કે 2027 તેમના માટે ખાસ વર્ષ રહેશે. 12 જૂન 2027ના રોજ મેક્સિકો સિટીના બનોર્ટ સ્ટેડિયમમાં તેઓ કારકિર્દીની છેલ્લી મેચ લડશે. આ સ્ટેડિયમ અગાઉ એસ્ટાડિયો એઝટેકા તરીકે ઓળખાતું હતું. WWEએ પણ તેમની અંતિમ મેચની તારીખ અને સ્થળની પુષ્ટિ કરી છે. જોકે, આ મુકાબલામાં રે મિસ્ટિરિયોની સામે કયો રેસલર હશે તેની જાહેરાત હજુ કરવામાં આવી નથી.
https://x.com/luireigns/status/2000031721232928896?a=uqhlIussrTyrB95WizE&s=20
ચાર દાયકાની કારકિર્દીનો અંત
રે મિસ્ટિરિયોએ માત્ર 14 વર્ષની ઉંમરે 1989માં પ્રોફેશનલ રેસલિંગની શરૂઆત કરી હતી. ત્યારબાદ WCW, ECW અને મેક્સિકોની વિવિધ રેસલિંગ પ્રમોશન્સમાં પોતાની ઓળખ બનાવી. 2002માં WWE સાથે જોડાયા બાદ તેમની લોકપ્રિયતામાં મોટો વધારો થયો. તેમની ઊંચાઈ અને શરીરની સરખામણીએ મોટા રેસલર્સ સામે લડવાની અનોખી શૈલી તેમને અલગ ઓળખ આપતી હતી. ખાસ કરીને હવામાં ઉછળીને કરવામાં આવતા મૂવ્સ અને તેમનો લોકપ્રિય '619' ફિનિશિંગ મૂવ ચાહકોમાં ખૂબ જાણીતો બન્યો. મેક્સિકોની લુચા લિબ્રે રેસલિંગ શૈલીને આંતરરાષ્ટ્રીય સ્તરે લોકપ્રિય બનાવવામાં પણ તેમનું મોટું યોગદાન રહ્યું છે.
ત્રણ વખતના વર્લ્ડ ચેમ્પિયન
રે મિસ્ટિરિયોની કારકિર્દીમાં અનેક મોટી સિદ્ધિઓ નોંધાયેલી છે. તેઓ ત્રણ વખત વર્લ્ડ ચેમ્પિયન બન્યા છે. આ ઉપરાંત એક વખત રોયલ રમ્બલ જીત્યો છે. તેમણે ત્રણ વખત યુનાઇટેડ સ્ટેટ્સ ચેમ્પિયનશિપ, બે વખત ઇન્ટરકોન્ટિનેન્ટલ ચેમ્પિયનશિપ અને પાંચ વખત ટેગ ટીમ ચેમ્પિયનશિપ પણ જીતી છે.
2023માં WWE Hall of Fameમાં તેમનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ખાસ વાત એ છે કે આ સન્માન મળ્યા બાદ પણ તેઓ રિંગમાં સક્રિય રહ્યા હતા. હવે 2027માં મેક્સિકોના પોતાના ચાહકોની સામે અંતિમ મેચ લડીને તેઓ રેસલિંગ કારકિર્દીને વિદાય આપશે.
આ પણ વાંચો: PV Sindhu: 'તમે અમારા પર ભરોસો રાખી શકો છો', રાજસ્થાનના ખેલાડીઓ માટે સિંધુનું વચન