- વિશ્વની સૌથી પ્રખ્યાત ટેનિસ ટુર્નામેન્ટમાંથી એક છે વિમ્બલ્ડન
- વિમ્બલ્ડનની ફાઈનલ આ વખતે ઐતિહાસિક બનવા જઈ રહી છે
- વિમ્બલ્ડનની ફાઈનલ મેચની ટિકિટની કિંમત રૂ. 5.8 લાખથી શરૂ
વિશ્વની સૌથી પ્રખ્યાત ટેનિસ ટુર્નામેન્ટમાંથી એક વિમ્બલ્ડનની ફાઈનલ આ વખતે ઐતિહાસિક બનવા જઈ રહી છે. વર્લ્ડ ટેનિસ રેન્કિંગમાં અનુક્રમે વિશ્વના બીજા અને ત્રીજા ક્રમના ખેલાડી નોવાક જોકોવિચ અને કાર્લોસ અલ્કારાઝ ખિતાબી મુકાબલામાં એકબીજા સામે ટકરાવાના છે. ટિકિટની કિંમત એવી છે કે સામાન્ય માણસ તેને ખરીદવાનું વિચારશે પણ નહીં.
સસ્તી ટિકિટ પણ ઘણી મોંઘી
નોવાક જોકોવિચ અને કાર્લોસ અલ્કારાઝ વચ્ચેની વિમ્બલ્ડનની ફાઈનલ મેચની ટિકિટની કિંમત લગભગ રૂ. 5.8 લાખથી શરૂ થાય છે અને યુએસ ચલણમાં સૌથી વધુ ટિકિટની કિંમત 10 હજાર ડોલરથી વધુ છે. જો કે ટિકિટ વેચતી અલગ-અલગ વેબસાઈટ પર કિંમતો અલગ-અલગ હોઈ શકે છે, પરંતુ તમને જણાવી દઈએ કે ફાઈનલ મેચની સૌથી વધુ કિંમત 12 લાખ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે ઈતિહાસની કોઈપણ ટેનિસ ટૂર્નામેન્ટની આ સૌથી મોંઘી મેચ બનવા જઈ રહી છે કારણ કે આટલી મોંઘી ટિકિટ અગાઉ ક્યારેય વેચાઈ નથી.
બદલો લેવા ઉતરશે જોકોવિચ
તમને યાદ અપાવી દઈએ કે આ બંને એથ્લેટ 2023 વિમ્બલ્ડનની ફાઇનલમાં પણ આમને-સામને આવ્યા હતા. ગત વખતે 21 વર્ષીય કાર્લોસ અલ્કારાઝે જોકોવિચને 5 સેટની મેચમાં 1-6, 7-6, 6-1, 3-6, 6-4થી હરાવીને પ્રથમ વખત વિમ્બલ્ડન ટાઈટલ જીત્યું હતું. હવે આ બંને એથ્લેટ ટાઈટલ ટક્કરમાં ફરી સામસામે આવશે. એક તરફ, જોકોવિચ તેની કારકિર્દીનું 25મું ગ્રાન્ડ સ્લેમ અને એકંદરે આઠમું વિમ્બલ્ડન ટાઈટલ જીતવા માંગશે. બીજી તરફ, કાર્લોસ માટે આ તેનું આ વર્ષનું બીજું અને તેની કારકિર્દીનું ચોથું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ હોઈ શકે છે.
જોકોવિચ વિ અલ્કારાઝ - હેડ ટુ હેડ
નોવાક જોકોવિચ અને કાર્લોસ અલ્કારાઝ 2022 મેડ્રિડ ATP ટુર્નામેન્ટમાં પ્રથમ વખત મળ્યા હતા, જ્યાં અલ્કારાઝ વિજયી થયો હતો. તે પછી, આ બંને એથ્લેટ્સ 5 અન્ય પ્રસંગોએ પણ સામસામે આવી ચુક્યા છે. અત્યાર સુધી જોકોવિચ અને અલ્કારાઝ વચ્ચેની 6 મીટિંગમાં બંને 3-3 વખત જીતી ચૂક્યા છે. આ આંકડાઓ પણ તેમની ટક્કરને રોમાંચક બનાવશે.