• જોકોવિચ કારકિર્દીમાં ઓવરઓલ 33મી વખત ગ્રાન્ડસ્લેમ ફાઇનલમાં પ્રવેશ્યો

  • સિત્સિપાસ પ્રથમ વખત ગ્રાન્ડસ્લેમની ફાઇનલમાં રમશે
  • સર્બિયન ખેલાડી 10મી વખત ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં પહોંચ્યો

વિશ્વના ચોથા ક્રમાંકિત સર્બિયાના નોવાક જોકોવિચે ઓસ્ટ્રેલિયન ઓપન ગ્રાન્ડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટની મેન્સ સિંગલ્સની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો જ્યાં તેનો મુકાબલો ગ્રીસના સ્ટેફાનોસ સિત્સિપાસ સામે થશે. જોકોવિચ કારકિર્દીમાં 22મો ગ્રાન્ડસ્લેમ જીતીને સ્પેનના સ્ટાર ખેલાડી રફેલ નાદાલના રેકોર્ડને સરભર કરવાનો પ્રયાસ કરશે. સિત્સિપાસ પ્રથમ વખત ગ્રાન્ડસ્લેમની ફાઇનલમાં રમશે. મેન્સ સિંગલ્સનો મુકાબલો રવિવારે રમાશે. જોકોવિચે સેમિફાઇનલમાં અમેરિકાના બિનક્રમાંકિત ટોમી પોલને બે કલાક 20 મિનિટ સુધી સંઘર્ષ કર્યા બાદ 7-5, 6-1, 6-2થી હરાવ્યો હતો. અંતિમ-4ના મુકાબલામાં સર્બિયન ખેલાડીએ માત્ર આઠ ગેમ ગુમાવી હતી. સર્બિયન ખેલાડી 10મી વખત ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં પહોંચ્યો છે. આ પહેલાં તે નવ વખત ગ્રાન્ડસ્લેમની ફાઇનલમાં પહોંચ્યો હતો અને તે આ તમામમાં ચેમ્પિયન બન્યો હતો. જોકોવિચ કારકિર્દીમાં ઓવરઓલ 33મી ગ્રાન્ડસ્લેમ ફાઇનલ રમશે.

મેન્સ સિંગલ્સની પ્રથમ સેમિફાઇનલમાં સિત્સિપાસે રશિયાના કારેન ખાચાનોવને 7-6 (2), 6-4, 6-7 (6), 6-3થી હરાવ્યો હતો અને તેણે બીજી વખત કોઈ ગ્રાન્ડસ્લેમની ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. બીજી તરફ કારકિર્દીમાં પ્રથમ વખત મેજર ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચવાનું ખાચાનોવનું સ્વપ્ન ચકનાચૂર થયું હતું. મેન્સ સિંગલ્સમાં જોકોવિચ બાદ રોજર ફેડરર હાઇએસ્ટ 31 તથા નાદાલ 30 ફાઇનલ રમ્યો છે.


  • Follow us on: