ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સીરીઝ રમાઈ રહી છે. ઈંગ્લેન્ડની ટીમે આ સિરીઝની પ્રથમ બે મેચ જીતી લીધી હતી અને આ સિરીઝમાં તેની લીડ છે. સિરીઝની ત્રીજી મેચ રમાઈ રહી છે. જ્યાં કિવી ટીમ ક્લીન સ્વીપથી બચવાના ઈરાદા સાથે રમી રહી છે.


ત્રીજી ટેસ્ટ મેચના પહેલા દિવસે ન્યુઝીલેન્ડની ટીમે 82 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 315 રન બનાવી લીધા છે. આવી પરિસ્થિતિમાં કિવી ટીમ આ મેચમાં ઘણી મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે. આ દરમિયાન ટીમનો સ્ટાર બેટ્સમેન અને પૂર્વ કેપ્ટન કેન વિલિયમસન આ મેચમાં ઘણો કમનસીબ રહ્યો હતો. જો કેન ઈચ્છતો તો આ મેચમાં મોટી ઈનિંગ રમી શક્યો હોત, પરંતુ એક નાની ભૂલના કારણે તે આઉટ થઈ ગયો હતો.

કેવી રીતે આઉટ થયો કેન વિલિયમસન

આ મેચમાં કેન વિલિયમસન ખૂબ જ સારી બેટિંગ કરી રહ્યો હતો. તેને 44 રનની ઈનિંગ રમી, પરંતુ આ મેચમાં તે જે રીતે આઉટ થયો તે ખૂબ જ વિચિત્ર હતો. ઈનિંગ્સની 59મી ઓવરમાં કેન વિલિયમ્સન મેથ્યુ પોટ્સનો સામનો કરી રહ્યો હતો. વિલિયમસને તેના બેટની નીચે જમીન પર એક બોલનો બચાવ કર્યો. બોલ બાઉન્સ થઈને સ્ટમ્પ તરફ જઈ રહ્યો હતો, પરંતુ તેને પોતાના પગથી બોલને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ ભૂલથી તે બોલ સ્ટમ્પ પર વાગી ગયો. આ રીતે આઉટ થયા બાદ વિલિયમસન ઘણો નિરાશ જોવા મળ્યો હતો.

 

આ બેટ્સમેનોએ ન્યુઝીલેન્ડ માટે કરી કમાલ

કેન વિલિયમસન સિવાય કેપ્ટન ટોમ લાથમે ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચમાં શાનદાર ઈનિંગ રમી છે. આ મેચમાં તેને 135 બોલનો સામનો કર્યો હતો અને 63 રનની ઈનિંગ રમી હતી. આ સિવાય વિલ યંગે પણ આ મેચમાં 42 રન બનાવ્યા છે. પહેલા દિવસની રમતના અંત સુધીમાં મિચેલ સેન્ટનર 50 રન પર રમી રહ્યો હતો. ટીમ બીજા દિવસે તેની પાસેથી વધુ મોટી ઈનિંગ્સની અપેક્ષા રાખે છે. જો વિલિયમસન આ રીતે આઉટ ન થયો હોત તો કદાચ ટીમનો સ્કોર વધુ સારી સ્થિતિમાં હોત.

  • Follow us on: