• ભારતની આરતી સાહા 11 વર્ષ 10 મહિનાની વયે હેલસિન્કી ઓલિમ્પિકમાં ભાગ લેનાર યંગેસ્ટ એથ્લેટ બની હતી

  • ભારતે પેરિસ ઓલિમ્પિક માટે 117 સભ્યની ટુકડી મોકલી
  • 14 વર્ષીય ધીનિધિ વિમેન્સ 200 મીટર ફ્રી સ્ટાઇલમાં ભાગ લેશે

પેરિસ ઓલિમ્પિક 2024નું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ચૂક્યું છે અને હવે ગણતરીના દિવસો બાકી રહી ગયા છે. ભારતે પેરિસ ઓલિમ્પિક માટે 117 સભ્યની ટુકડી મોકલી છે જેમની ઉપર મેડલ જીતવાની જવાબદારી રહેશે. ભારત માટે આ વખતે મહિલા સ્વિમર ધીનિધિ દેસિંઘુ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લેનારી યંગેસ્ટ એથ્લેટ છે.

14 વર્ષીય ધીનિધિ વિમેન્સ 200 મીટર ફ્રી સ્ટાઇલમાં ભાગ લેશે. તે ઓલિમ્પિક માટે સીધું ક્વોલિફાય કરી શકી નથી પરંતુ યુનિવર્સિટી ક્વોટા દ્વારા તેને ઓલિમ્પિકમાં ભાગ લેવાની તક મળી છે. તે વર્લ્ડ ચેમ્પિયનશિપ અને એશિયન ગેમ્સમાં પણ ભાગ લઈ ચૂકી છે. જોકે ભારત તરફથી યંગેસ્ટ ઓલિમ્પિયન બનવાનો રેકોર્ડ આરતી સાહાના નામે છે જેણે 11 વર્ષ અને 10 મહિનાની વયે હેલસિંકી ઓલિમ્પિકમાં ભાગ લીધો હતો.

કેનેડાની જિલ ઇર્વિંગ 61 વર્ષની વયે પોતાની પ્રથમ ઓલિમ્પિકમાં ભાગ લેશે

ઓસ્ટ્રેલિયાની હોર્સ રેસિંગ (એક્વેસ્ટેરિયન) ટીમમાં રિઝર્વ ખેલાડી તરીકે 69 વર્ષીય મેરી હાના સામેલ છે જે ઓલિમ્પિકમાં ભાગ લેનારી ઓલ્ડેસ્ટ એથ્લેટ છે. કેનેડાની હોર્સ રેસિંગ ટીમમાં જિલ ઇર્વિંગનો સમાવેશ કરાયો છે જે 61 વર્ષની થઈ ચૂકી છે અને તે પોતાની પ્રથમ ઓલિમ્પિકમાં ભાગ લેશે. જિલે ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેવાનો હતો પરંતુ કોરોનાના કારણે ગેમ્સને એક વર્ષ માટે સ્થગિત કરવામાં આવી હતી. ત્યારે તેના ઘોડાની ભાગ લેવાની વય પણ વધી ગઈ હતી. હવે ઘોડો બદલાઈ ગયો પરંતુ જિલનું ઝનૂન યથાવત્ રહ્યું છે. મેરી હાના સાતમી ઓલિમ્પિકમાં ભાગ લેશે. તે ડ્રેસેજ ઇવેન્ટમાં ભાગ લે છે. ટોક્યો ગેમ્સમાં તે 66 વર્ષની વયે ભાગ લેનાર સૌથી વધારે વયની એથ્લેટ હતી.

સાત વર્ષની વયે ઝેંગને સ્કેટબોર્ડ ગિફ્ટમાં મળ્યું હતું

11 વર્ષીય ઝેંગ ચીનની યંગેસ્ટ સ્કેટબોર્ડ ઓલિમ્પિયન છે. તેણે બુડાપેસ્ટ ઓલિમ્પિક ક્વોલિફાયર દ્વારા પેરિસ ગેમ્સની ટિકિટ હાંસલ કરી હતી. સાત વર્ષની વયે તેને સ્કેટબોર્ડ બર્થ-ડે ગિફ્ટમાં મળ્યું હતું અને ત્યારબાદ તેણે કારકિર્દી તરીકે તેને અપનાવ્યું હતું. ટોક્યો ઓલિમ્પિકની સ્કેટબોર્ડ ઇવેન્ટમાં બ્રિટિશ મૂળના જાપાનીઝ ખેલાડી સ્કાઇ બ્રાઉને બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. તે સમયે તેની વય 13 વર્ષની હતી અને મેડલ જીતનાર યંગેસ્ટ વિનર બની હતી. તે 16 વર્ષની વયે પેરિસ ગેમ્સમાં ભાગ લઈ રહી છે. તેના માતા જાપાનની અને પિતા બ્રિટનના છે.

રોહન બોપન્ના ઓલ્ડેસ્ટ ભારતીય એથ્લેટ છે

44 વર્ષ અને ચાર મહિનાનો રોહન બોપન્ના પેરિસ ગેમ્સમાં ભાગ લેનાર ઓલ્ડેસ્ટ ભારતીય છે. તે ત્રીજી ઓલિમ્પિકમાં ભાગ લેશે અને મેન્સ ડબલ્સમાં બાલાજી સાથે જોડી બનાવીને રમશે. તેણે 2012ની લંડન ઓલિમ્પિકમાં મહેશ ભૂપતિ સાથે પદાર્પણ કર્યું હતું. મિક્સ ડબલ્સમાં તે અને સાનિયા મિર્ઝા બ્રોન્ઝ મેડલથી માત્ર એક વિજય દૂર રહ્યા હતા. સિડની જેકોબ બાદ બોપન્ના ઓલિમ્પિક માટે ક્વોલિફાય કરનાર બીજો યંગેસ્ટ ટેનિસ ખેલાડી છે. જેકોબે 44 વર્ષ 267 દિવસની વયે પેરિસ ઓલિમ્પિક 1924માં ભાગ લીધો હતો. ભારતનો ઓલ્ડેસ્ટ એથ્લેટનો રેકોર્ડ શૂટર ભીમસિંહના નામે છે જેણે 66 વર્ષની વયે 1976ની મોન્ટ્રિયલ ઓલિમ્પિકમાં સ્કિટ શૂટિંગમાં ભાગ લીધો હતો. ટેબલ ટેનિસ ખેલાડી 42 તથા તીરંદાજ તરુણદીપ રોય 40 વર્ષનો છે.

  • Follow us on: