- મેન્સ સિંગલ્સની બીજા રાઉન્ડમાં લક્ષ્ય સેને બેલ્જિયમના જુલિયનને 43 મિનિટમાં 21-19, 21-14ના સ્કોરથી હરાવ્યો
- કેટલીક સામાન્ય ભૂલો કરતાં કેરેગીએ સ્કોર 8-5નો કર્યો હતો
- બીજી ગેમમાં ભારતીય ખેલાડી હાવી રહ્યો હતો અને બ્રેક સુધીમાં 11-4ની લીડ મેળવી હતી
ઓલિમ્પિકમાં ડેબ્યૂ કરનાર ભારતના યુવા સ્ટાર લક્ષ્યસેને ધીમી શરૂઆત બાદ રિધમ હાંસલ કરીને સોમવારે પેરિસ ઓલિમ્પિકની મેન્સ સિંગલ્સ સ્પર્ધાના ગ્રૂપ-એલમાં બેલ્જિયમના જુલિયન કેરેગીને સીધી ગેમમાં હરાવ્યો હતો.
લક્ષ્ય સેને ગ્રૂપમાં પોતાની પ્રથમ મેચમાં રવિવારે કેવિન કોર્ડનને હરાવ્યો હતો પરંતુ ગ્વાટેમાલાના ખેલાડીએ કોણીની ઈજાના કારણે ઇવેન્ટમાંથી ખસી જવાનો નિર્ણય કર્યો હતો જેના કારણે તેના તમામ પરિણામ ડિલીટ કરવામાં આવ્યા હતા. ગ્રૂપ-એલમાં હવે માત્ર ત્રણ ખેલાડીઓ વચ્ચે હરીફાઈ છે. વિશ્વના 18મા ક્રમાંકિત લક્ષ્ય સેને વિશ્વના બાવનમાં માંકિત કેરેગીને 43 મિનિટમાં 21-19, 21-14ના સ્કોરથી પરાજય આપ્યો હતો. વર્લ્ડ ચેમ્પિયનશિપનો ભૂતપૂર્વ બ્રોન્ઝ મેડાલિસ્ટ પોતાની છેલ્લી ગ્રૂપ મેચમાં 31મી જુલાઈએ ઇન્ડોનેશિયાના ત્રીજા ક્રમાંકિત જોનાથન ક્રિસ્ટી સામે ટકરાશે. આ મેચ ગ્રૂપ-એલમાંથી પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવનાર ખેલાડીનો નિર્ણય કરશે. કોમનવેલ્થ ગેમ્સના ગોલ્ડ મેડાલિસ્ટ લક્ષ્યસેને મેચની સારી શરૂઆત કરીને 4-2ની લીડ મેળવી હતી. કેટલીક સામાન્ય ભૂલો કરતાં કેરેગીએ સ્કોર 8-5નો કર્યો હતો. બ્રેક સુધી કેરેગી 11-8ના સ્કોરથી આગળ હતા. ભારતીય ખેલાડીએ વળતો પ્રહાર કરીને સ્કોર 18-18નો કર્યો હતો. ત્યારબાદ 22 મિનિટમાં સેને પ્રથમ ગેમ પોતાના નામે કરી હતી. બીજી ગેમમાં ભારતીય ખેલાડી હાવી રહ્યો હતો અને બ્રેક સુધીમાં 11-4ની લીડ મેળવી હતી. કેરેગીએ સ્કોર 10-14નો કર્યો હતો પરંતુ સેને છ પોઇન્ટ હાંસલ કરીને સ્કોર 20-14નો કરી દીધો હતો. ત્યારબાદ ગેમ અને મેચ બંને પોતાની તરફેણમાં કરી લીધી હતી.










