- અલ્કારેઝ પોતાનો પહેલો ઓલિમ્પિક ગોલ્ડ ચુક્યો
- જીત બાદ ટેનિસ કોર્ટ પર જ સુઇ ગયેલો જોકોવિચ રડી પડયો હતો
- જોકોવિચ આ પહેલા 2008ની બેઇજિંગ ઓલિમ્પિક ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો
સર્બિયાના સ્ટાર ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચે પેરિસ ઓલિમ્પિક 2024માં ટેનિસની મેન્સ સિંગલ્સ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો છે. જોકોવિચે સ્પેનના યુવા ખેલાડી કાર્લોસ અલ્કારેજને પરાજય આપીને વિમ્બલ્ડન 2024ની ફાઇનલમાં કાર્લોસ સામે થયેલા પરાજયનો બદલો પણ વાળી લીધો હતો.
જોકોવિચે અલ્કારેજને 7-6 (3), 7-6 (2)થી સંઘર્ષપૂર્ણ સીધા સેટમાં પરાજય આપીને પોતાની કેરિયરનો પહેલો ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે અલ્કારેઝ પોતાનો પહેલો ઓલિમ્પિક ગોલ્ડ ચુક્યો હતો અને તેણે સિલ્વર મેડલથી જ સંતોષ માનવો પડયો હતો. જીત બાદ ટેનિસ કોર્ટ પર જ સુઇ ગયેલો જોકોવિચ રડી પડયો હતો. જોકોવિચ આ પહેલા 2008ની બેઇજિંગ ઓલિમ્પિક ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. રવિવારે રમાયેલી ફાઇનલમાં આ ઓલિમ્પિકમાં ટેનિસના સૌથી મોટી વયના ખેલાડી જોકોવિચનો મુકાબલો સૌથી નાની વયના અલ્કારેઝ સામે હતો જેમાં અનુભવની જીત થઇ હતી. પરાજય બાદ કાર્લોસ પણ પોતાના આંસુને રોકી શક્યો નહોતો.










