- જોકોવિચે મેન્સ સિંગલ્સમાં જર્મનીના કોપફરને 7-5, 6-3થી પરાજય આપી ક્વા. ફાઈનલમાં પ્રવેશ કર્યો
- નાદાલ અને અલ્કારાઝ ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ
- પોપિરિને વાવરિંકાને 6-4, 7-5થી પરાજય આપ્યો
વિશ્વની પ્રથમ ક્રમાંકિત મહિલા ખેલાડી પોલેન્ડની ઇગા સ્વિયાતેકે કપરી પરિસ્થિતિમાં વળતો પ્રહાર કર્યો હતો અને તેણે ચાઇનીઝ ખેલાડી વાંગ જિયૂને સીધા સેટમાં હરાવીને પેરિસ ઓલિમ્પિકની વિમેન્સ સિંગલ્સ ટેનિસ ઇવેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો.
ક્લે કોર્ટ ઉપર ચાર વખત ફ્રેન્ચ ઓપન ગ્રાન્ડસ્લેમ જીતી ચૂકેલી સ્વિયાતાકે વાંગને 6-2, 6-4થી હરાવી હતી અને તેનો આગામી મુકાબલો આઠમી ક્રમાંકિત અમેરિકાની ડેનિયેલા કોલિન્સ સામે થશે જેણે કોલંબિયાની કેમિલા ઓસોરિયોને 6-0, 4-6, 6-3થી પરાજય આપ્યો હતો. વિમેન્સ સિંગલ્સની અન્ય મેચોમાં સ્લોવાકિયાની એન્ના કેરોલિનાએ વિમ્બલ્ડનની રનર્સ-અપ ઇટાલીની જાસ્મિન પાઓલિનીને 7-5, 3-6,7-5થી તથા માર્ટા કોસ્તયૂકે ગ્રીસની સાતમી ક્રમાંકિત મારિયા સક્કારીને 4-6, 7-6 (5), 6-4થી હરાવી હતી.
નાદાલ અને અલ્કારાઝ ક્વાર્ટર ફાઇનલમાં
મેન્સ ડબલ્સમાં સ્પેનના રફેલ નાદાલ અને કાર્લોસ અલ્કારાઝે નેધરલેન્ડસના ટાલોન ગ્રિક્સપૂર અને વેસ્લી ફૂલહોફને 6-4, 6-7 (2), 10-2થી હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવ્યું હતું. એન્ડી મરેએ પણ મેન્સ ડબલ્સમાં વિજય મેળવ્યો હતો. મરેએ તેના સાથી ખેલાડી ડેન ઇવાન્સ સાથે મળીને બે મેચ પોઇન્ટ બચાવ્યા બાદ બેલ્જિયમના સેન્ડર ગિલ અને જોરાન બ્લિગેનની જોડીને 6-3, 6-7 (8), 11-9થી હરાવી હતી. એન્ડી મરે ઓલિમ્પિક બાદ ટેનિસમાંથી નિવૃત્તિ લેશે.
પોપિરિને વાવરિંકાને પરાજય આપ્યો
મેન્સ સિંગલ્સમાં ઓસ્ટ્રેલિયાના એલેક્સી પોપિરિને ત્રણ વખતના ગ્રાન્ડસ્લેમ ચેમ્પિયન સ્તેનિસ્લાસ વાવરિંકાને 6-4, 7-5થી હરાવીને પોતાનું અભિયાન આગળ વધાર્યું હતું. તેનો આગામી મુકાબલો જર્મનીના ટોક્યો ઓલિમ્પિક ગોલ્ડ મેડાલિસ્ટ એલેકઝાન્ડર ઝેવરેવે સામે થશે જેણે થોમસ મચાકને 6-3, 7-5થી પરાજય આપ્યો હતો. અમેરિકાના ટેલર ફિત્ઝ અને ટોમી પોલે પણ આગેકૂચ કરી હતી. ફિત્ઝે બ્રિટનના જેક ડ્રેપરને 6-7 (3), 6-3, 6-2થા તથા પોલે ચેક રિપબ્લિકના જેકોબ મેન્સિકને 6-3, 6-1થી હરાવ્યો હતો.