- તરુણદીપ રાય અને દીપિકા કુમારી પાસેથી મેડલની આશા રખાશે
- ભારત તીરંદાજીમાં હજુ સુધી એક પણ મેડલ જીતી શક્યું નથી
- ભારતની મેન્સ તથા વિમેન્સ ટીમો પાસે પાંચ સ્પર્ધામાં મેડલ જીતવાની તક
પેરિસ ઓલિમ્પિક 2024ની સત્તાવાર શરૂઆત 26મી જુલાઈથી થવાની છે પરંતુ તેના એક દિવસ પહેલાં ગુરુવારથી ભારતીય તીરંદાજો પોતાના અભિયાનની શરૂઆત કરશે.તીરંદાજીમાં ભારત હજુ સુધી કોઈ ઓલિમ્પિક મેડલ હાંસલ કરી શક્યું નથી અને હવે ભારતીય તીરંદાજો લેસ ઇનવેલિડ્સ ગાર્ડન ખાતે ક્વોલિફિકેશન રાઉન્ડ સાથે પોતાના અભિયાનની શરૂઆત કરશે.
અનુભવી તરુણદીપ રાય તથા દીપિકા કુમારી પોતાની ચોથી ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે અને તેમના નેતૃત્વમાં ટીમને પસંદગીનો ડ્રો હાંસલ કરવા માટે ક્વોલિફિકેશનમાં ઓછામાં ઓછા ટોપ-10મા સ્થાન મેળવવું પડશે.તીરંદાજીને (આર્ચરી) 1988ની ઓલિમ્પિકમાં સામેલ કરવામાં આવી હતી અને ભારતીય તીરંદાજો સતત પ્રત્યેક ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે પરંતુ હજુ સુધી એક પણ તીરંદાજ પોડિયમ ફિનિશ કરી શક્યો નથી. 2012ની લંડન ઓલિમ્પિક બાદ ભારતીય ટીમમાં તમામ છ ખેલાડીઓ સામેલ છે તેવું આ પ્રથમ વખત બન્યું છે. ભારતીય મેન્સ તથા વિમેન્સ ટીમોએ રેન્કિંગના આધારે ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું છે જેના કારણે આ વખતે ભારત તમામ પાંચ સ્પર્ધામાં ભાગ લઈ શકશે.
ક્વોલિફિકેશન દ્વારા સિડિંગ અપાશે
પ્રત્યેક તીરંદાજ 72 તીર નિશાન ઉપર મારશે અને ક્વોલિફિકેશન રાઉન્ડમાં ભાગ લઈ રહેલા 53 દેશના 128 તીરંદાજોના સ્કોરના આધારે રવિવારથી યોજાનારી મુખ્ય નોકઆઉટ સ્પર્ધા માટે સિડિંગ અપાશે. ભારતીય ટીમ માટે ક્વોલિફિકેશન તબક્કો મહત્ત્વરપૂર્ણ રહેશે જે વારંવાર નીચલા ક્રમની સિડિંગ હાંસલ કરતી રહી છે અને આ સ્થિતિમાં નોકઆઉટ તબક્કામાં સાઉથ કોરિયા જેવી મજબૂત ટીમોનો સામનો કરવો પડે છે.
ટોક્યોમાં મેન્સ તીરંદાજોનું નિરાશાજનક પ્રદર્શન રહ્યું હતું
2020 ટોક્યો ઓલિમ્પિકમાં ભારતના તમામ મેન્સ તીરંદાજ ટોપ-30મા સ્થાન મેળવી શક્યા નહોતા જેના કારણે ભારતને નવનું સિડિંગ મળ્યું હતું. ભારતની એકમાત્ર મહિલા તીરંદાજ દીપિકા નવમા ક્રમે રહી હતી. ભારતને ક્વાર્ટર ફાઇનલ મુકાબલામાં ટોચનો ક્રમાંક ધરાવતા કોરિયા સામે પરાજયનો સામનો કરવો પડયો હતો. ભારતની મેન્સ ટીમ પાસેથી આ વખતે આશા છે જેણે ચાલુ વર્ષે શાંઘાઈ ખાતે વર્લ્ડ કપની ફાઇનલમાં કોરિયાને હરાવીને ઇતિહાસ રચ્યો હતો. ભારતીય ટીમમાં તરુણદીપ ઉપરાંત પ્રવીણ જાધવના સ્વરૂપે અનુભવી તીરંદાજ છે. યુવા ખેલાડી ધીરજ બોમ્માદેવરા એક મહિના પહેલાં અંતાલ્યા વર્લ્ડ કપમાં ટોક્સોય ઓલિમ્પિકના સિલ્વર મેડાલિસ્ટ ઇટાલીના મૌરો નેસ્પોલીને હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
દીપિકા અને ધીરજ મિક્સ ટીમમાં મેડલ જીતી શકે છે
ધીરજ અને દીપિકા જો રેન્કિંગ રાઉન્ડમાં ટોચના ક્રમે રહેશે તો બંને પાસેથી રિકર્વ મિક્સ ટીમમાં મેડલની આશા રાખવામાં આવી શકે છે. ભારતીય તીરંદાજો ઓલિમ્પિકમાં હજુ સુધી ક્વાર્ટર ફાઇનલથી આગળ વધી શક્યા નથી. ભારત તીરંદાજમાં માત્ર સિડની ઓલિમ્પિક 2000 માટે ક્વોલિફાય કરી શક્યું નથી. આ ઉપરાંત ભારતે તમામ ઓલિમ્પિકની આર્ચરીમાં ભાગ લીધો છે પરંતુ પોતાનો પ્રદર્શનમાં સુધારો કરી શક્યું નથી.
દીપિકા ઉપર તમામની નજર રહેશે
વિમેન્સ કેટેગરીમાં તમામની નજર દીપિકા કુમારી ઉપર રહેશે જે માતા બન્યાના 16 મહિનાની અંદર શાંઘાઈ ખાતેના વર્લ્ડ કપના પ્રથમ તબક્કામાં સિલ્વર મેડલ જીતી હતી. મહિલા ટીમમાં તેની સાથે અંકિતા ભક્ત અને ભજન કૌર છે.આ બંને માટે પ્રથમ ઓલિમ્પિક છે પરંતુ તેઓ વર્તમાન ઓલિમ્પિક ચક્રમાં ભારતીય ટીમનો હિસ્સો રહી છે અને તેમની પાસેથી પણ મેડલ વિનિંગ પ્રદર્શનની આશા રાખવામાં આવશે.