• પેરિસ ત્રીજી વખત ઓલિમ્પિકની યજમાની કરશે, સીન નદી ઉપર 90 પ્લસ હોડીઓમાં એથ્લેટ્સ પરેડ કરશે

  • ભારતીય સમય અનુસાર રાત્રે 11 : 00 વાગ્યે ઓપનિંગ સેરેમની યોજાશે, છ લાખ લોકો સેરેમનીમાં હાજર રહેશે
  • ઓલિમ્પિક 2024નું સત્તાવાર બ્રાન્ડેડ નામ પેરિસ 2024 છે

સમર ઓલિમ્પિકનું આયોજન ફ્રાન્સના પેરિસમાં થઈ રહ્યું છે અને 26મી જુલાઈએ તેની ઓપનિંગ સેરેમની થવાની છે. ઓલિમ્પિક 2024નું સત્તાવાર બ્રાન્ડેડ નામ પેરિસ 2024 છે.આ મલ્ટિ સ્પોર્ટ્સ ઇવેન્ટ 26મી જુલાઈથી 11મી ઓગસ્ટ સુધી યોજાશે. જોકે ફૂટબોલ અને રગ્બી-7 જેવી કેટલીક ઇવેન્ટનો 24મી જુલાઈથી પ્રારંભ થઈ ચૂક્યો છે.

ઓલિમ્પિકમાં ભારતે આ વખતે વિક્રમી 117 એથ્લેટ્સને મોકલ્યા છે અને 10 જેટલા મેડલની આશા રાખવામાં આવે છે. ઓલિમ્પિકની મુખ્ય યજમાન સિટી પેરિસ છે પરંતુ તેની ઇવેન્ટ્સ મેટ્રોપોલિટન ફ્રાન્સના કુલ અન્ય 16 શહેરોમાં પણ થઈ રહી છે. પેરિસ 1900 તથા 1924માં પણ યજમાન બની ચૂક્યું છે. પેરિસ એકમાત્ર એવું બીજું સિટી છે જ્યાં ત્રીજી ઓલિમ્પિક ગેમ્સ યોજાઈ રહી છે.

32 ગેમ્સની 329 ઇવેન્ટ્સ થશે

આ ઓલિમ્પિકમાં કુલ 10,672 એથ્લેટ્સ ભાગ લઈ રહ્યા છે અને 32 ગેમ્સની કુલ 329 ઇવેન્ટ યોજાશે. ભારત તરફથી કુલ 117 એથ્લેટ્સ 16 અલગ અલગ ઇવેન્ટમાં ભાગ લઈ રહ્યા છે. એથ્લેટિક્સની ઇવેન્ટમાં ભારતના હાઇએસ્ટ 30 તથા શૂટિંગમાં 21 એથ્લેટ્સ છે જેમની ઉપર મેડલની આશા રાખવામાં આવશે. બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ તથા ટેબલટેનિસ ખેલાડી શરથ કમલ ભારતના ધ્વજવાહક રહેશે. કમલ પોતાની પાંચમી અને અંતિમ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યો છે.

13 મિલિયન ફૂડ ડિશ તૈયાર કરાશે

પેરિસ ઓલિમ્પિકના સમય દરમિયાન વિશ્વભરના કોન્ટિનેન્ટલ ફૂડ તૈયાર કરવામાં આવશે. ઓવરઓલ ગેમ્સ દરમિયાન એથ્લેટ્સ અને અધિકારીઓ માટે 2.2 મિલિયન ફૂડ ડિશ સહિત કુલ 13 મિલિયન ડિશો તૈયાર કરવામાં આવી છે. આયોજકો દ્વારા આ વખતે સંપૂર્ણપણે વેજિટેરિયન ડિશ પણ તૈયાર કરવામાં આવી છે જેનો ભારતીય એથ્લેટ્સનો મોટો ફાયદો થઈ શકે છે.

પરેડમાં ગ્રીસ પ્રથમ, ફ્રાન્સ છેલ્લે રહેશે

ઓપનિંગ સેરેમનીની પરેડમાં સૌથી પહેલાં ગ્રીસ દેશના ખેલાડીઓ આવતા હોય છે. ઓલિમ્પિક ગેમ્સની શરૂઆત 1986ના ગ્રીસના એથેન્સમાં થઈ હતી. આ દેશને ઓલિમ્પિકનું જન્મદાતા ગણવામાં આવે છે. પેરિસ ગેમ્સમાં ગ્રીસનો ધ્વજવાહક રેસ વોકર એન્ટિગોની બિયોટી રહેશે. ભારત 80મા ક્રમાંકે રહેશે. ઓપનિંગ સેરેમનીના અંત ભાગમાં યજમાન દેશ છેલ્લે આવે છે. આ વખતે ફ્રાન્સ છેલ્લે રહેશે અને તેની પહેલાં આગામી ઓલિમ્પિક લોસ એન્જલસ 2028ની યજમાન અમેરિકા રહેશે.

સીન નદી ઉપર બોટમાં રિહર્સલ કરતા સંગીતકારો

10 હજાર કરતાં વધારે એથ્લેટ્સ આ વખતે અલગ પ્રકારની ઓપનિંગ સેરેમનીમાં ભાગ લેશે. તેઓ સીન નદીમાં 90 કરતાં વધારે બોટ્સમાં પરેડ કરશે જે છ કિલોમીટર લાંબી રહેશે. આ પરેડ ઓસ્ટરલિટ્ઝ બ્રિજથી શરૂ થશે અને એફિલ ટાવર સુધી પહોંચશે. લગભગ ત્રણ લાખ લોકો આ ઓપનિંગ સેરેમનીને નિહાળશે. લેઝર શૉનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં ફ્રાન્સની સંસ્કૃતિ અને ઓલિમ્પિકના ઇતિહાસની ઝલક દેખાડવામાં આવશે.

  • Follow us on: