- મેન્સ 50 મીટર રાઇફલ થ્રી-પોઝિશનમાં કુશાલે સાતમા ક્રમે રહ્યો
- સ્વપ્નિલ કુશાલે ક્વોલિફિકેશન રાઉન્ડમાં 590નો સ્કોર બનાવ્યો હતો
- મુકાબલો ગુરુવારે 1:00 વાગ્યાથી શરૂ થશે
ભારતનો અનુભવી શૂટર સ્વપ્નિલ કુશાલે પેરિસ ઓલિમ્પિકની મેન્સ 50 મીટર રાઇફલ થ્રી-પોઝિશનની ફાઇનલમાં પહોંચી ગયો છે. તેણે ક્વોલિફિકેશન રાઉન્ડમાં 590નો સ્કોર બનાવ્યો હતો અને તે સાતમા ક્રમે રહ્યો હતો. આ રાઉન્ડમાં ટોચના આઠ શૂટર્સ ફાઇનલમાં સ્થાન મેળવે છે.
સ્વપ્નિલ હવે ગુરુવારે મેડલ માટે શૂટિંગ રેન્જમાં ઊતરશે. તેનો મુકાબલો ગુરુવારે 1:00 વાગ્યાથી શરૂ થશે. આ ઇવેન્ટમાં ત્રણ પોઝિશનમાં શૂટર્સે નિશાન તાકવાનું હોય છે. તેમાં નીલિંગ એટલે કે ઝૂકીને/બેસીને, જમીન ઉપર સૂઇને તથા ઊભા રહીને નિશાન તાકવાનું હોય છે. આ સ્પર્ધામાં ભારતનો અન્ય એક શૂટર ઐશ્વર્ય પ્રતાપસિંહ 11મા ક્રમે રહ્યો હતો અને તેનો સ્કોર 589નો રહ્યો હતો. ચીનનો લિયૂ યુકૂન 594ના સ્કોર સાથે ટોચના ક્રમે રહ્યો હતો જે ઓલિમ્પિક ક્વોલિફિકેશન રેકોર્ડ રહ્યો છે. પેરિસ ઓલિમ્પિકમાં ભારતની મનુ ભાકરે વિમેન્સ 10 મીટર એર પિસ્તોલમાં બ્રોન્ઝ અને સરબજોત સાથે 10 મીટર એર પિસ્તોલ મિક્સ ટીમ ઇવેન્ટમાં બ્રોન્ઝ જીત્યો હતો. કુશાલે ગુરુવારે ભારતને શૂટિંગમાં ત્રીજો મેડલ અપાવવાનો પ્રયાસ કરશે. ભારતે ઓલિમ્પિકમાં અત્યાર સુધી શૂટિંગમાં પાંચ મેડલ જીત્યા છે.










