- બ્રિટનની ગ્લોવર તથા ન્યૂઝીલેન્ડની સ્પૂર્સ-ફ્રાન્સિસે રોવિંગમાં વિવિધ મેડલ્સ જીત્યા
- ત્રણ બાળકોની માતા ગ્લોવરે વિમેન્સ ફોર ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો
- ત્રણેય મહિલા એથ્લેટ્સનું માનવું છે કે અમારી સિદ્ધિઓ અન્ય ખેલાડીઓને સકારાત્મક સંદેશો આપશે
પેરિસ ઓલિમ્પિકમાં ત્રણ માતાઓ માટે રોવિંગ ઇવેન્ટમાં મેડલ જીત્યા બાદ પોતાના બાળકો સાથે ઉજવણી કરવાનો સમય વિશેષ રહ્યો હતો. બ્રિટનની અનુભવી હેલેન ગ્લોવર, ન્યૂઝીલેન્ડની લૂસી સ્પૂર્સ અને બ્રુક ફ્રાન્સિસે બાળકોને જન્મ આપ્યાના બે વર્ષથી ઓછા સમયમાં ઓલિમ્પિક મેડલ જીતવામાં સફળતા મેળવી છે.
સ્પૂર્સ તથા ફ્રાન્સિસની જોડીએ વિમેન્સ ડબલ્સ સ્કલ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. બીજી તરફ ત્રણ બાળકોની માતા ગ્લોવરે વિમેન્સ ફોર ઇવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો હતો. સ્પૂર્સ અને ફ્રાન્સિસે વિજય મેળવ્યા બાદ સ્ટેડિયમમાં બેઠેલા પોતાના બાળકોને ઊંચકી લીધા હતા. ન્યૂઝીલેન્ડની આ બંને રોવર પોતાના બાળકોની દેખરેખના મુશ્કેલ સમય દરમિયાન એકબીજાને પ્રેરિત કરવા માટે પ્રેક્ટિસ વખતે બાળકોના ગીત ગાતા હતા. તેઓ પોતાના પરિવારને પેરિસ લઈને આવી છે જેના કારણે તેઓ પોતાના અભિયાન ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકી હતી. ગ્લોવર પોતાની પ્રેક્ટિસ દરમિયાન પોતાના બાળકોને બ્રેસ્ટ ફિડિંગ પણ આપતી હતી. તે પણ પોતાની રેસ પૂરી કર્યા બાદ પોતાના બાળકોને હાઇફાઇ કરવા માટે પહોંચી ગઈ હતી. તેણે મેડલ વિતરણ બાદ પોતાના બાળકોને ગળે લગાવ્યા હતા. ત્રણેય મહિલા એથ્લેટ્સનું માનવું છે કે અમારી સિદ્ધિઓ અન્ય ખેલાડીઓને સકારાત્મક સંદેશો આપશે.










