• વિન્ડીઝના પૂર્વ ક્રિકેટર વિન્સ્ટન બેન્જામિનનો પુત્ર પેરિસ ઓલિમ્પિકમાં છવાયો

  • નોર્વેના વારહોલ્મને 400 મીટર હર્ડલ્સ રેસમાં હરાવી રાય બેન્જામિન ગોલ્ડ જીત્યો
  • 2021માં વારહોલ્મે આ ઇવેન્ટના 29 વર્ષ જૂના વર્લ્ડ રેકોર્ડને તોડયો હતો

નોર્વેના કાસ્ટર્ન વારહોલ્મ પેરિસ ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ ચુકી ગયો છે. 28 વર્ષીય વારહોલ્મ 400 મીટર હર્ડલ્સ ઇવેન્ટમાં રમે છે. 2021માં તેણે આ ઇવેન્ટના 29 વર્ષ જૂના વર્લ્ડ રેકોર્ડને તોડયો હતો. પછી ટોક્યો ઓલિમ્પિકમાં પોતાના જ રેકોર્ડને તોડીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.

તે બાદ 2023માં વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. પરંતુ પેરિસ ઓલિમ્પિકમાં તેણે સિલ્વર મેડલથી જ સંતોષ માનવો પડયો હતો. વેસ્ટ ઇન્ડિઝના પૂર્વ ક્રિકેટર વિન્સ્ટન બેન્જામિનના પુત્ર રાય બેન્જામિને આ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તે અમેરિકા વતી ઓલિમ્પિકમાં રમવા ઉતર્યો હતો. આ પહેલો પ્રસંગ છે જ્યારે તેણે 400 મીટર હર્ડલ્સની ફાઇનલમાં કાર્સ્ટન વારહોલ્મને પછાડીને મેડલ જીત્યો હતો. 2019 અને 2023માં જ્યારે વારહોલ્મે વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ જીત્યો હતો અને રાય બેન્જામિન ત્યારે સિલ્વર અને બ્રોન્ઝ જ જીતી શક્યો હતો. ટોક્યોમાં પણ બેન્જામિન બીજા સ્થાને રહ્યો હતો અને સિલ્વર મેડલ જીત્યો હતો.

સેમિફાઇનલમાં વારહોલ્મ આગળ હતો

હીટ રાઉન્ડમાં કાર્સ્ટન વારહોલ્મ અને રાય બેન્જામિન અલગ-અલગ ગ્રુપમાં હતા. બને ટોપ પર રહ્યા હતા. વારહાલ્મે ઓછો સમય લીધો હતો. સેમિફાઇનલની રેસમાં પણ તેમજ થયુ હતું. પરંતુ ફાઇનલમાં બેન્જામિને 46.46 સેકન્ડમાં રેસ પુરી કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. વારહોલ્મે 47.06 સેકન્ડમાં રેસ પુરી કરી હતી. તેણે ટોક્યોમાં 45.94 સેકન્ડમાં રેસ જીતીને વર્લ્ડ અને ઓલિમ્પિક રેકોર્ડ બનાવ્યો હતો. બ્રાઝિલના એલિસન ડોસ સેન્ટોસે ટોક્યો અને પેરિસ બંને જગ્યાએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

રાયબેન્જામિનનો ત્રીજો ઓલિમ્પિક ગોલ્ડ

રાય બેન્જામિનના પિતા વિન્સ્ટન બેન્જામિને 1986થી 1995ની વચ્ચે વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્વ કર્યુ હતું. ઝડપી બોલર બેન્જામિન 21 ટેસ્ટ અને 85 વનડે મેચ રમ્યો હતો. તેના નામે 161 વિકેટ છે. રાય બેન્જામિનનો જન્મ અમેરિકાના ન્યૂયોર્કમાં થયો હતો.કેરિયરની શરૂઆતમાં તેણે એન્ટીગુઆ અને બારબુડાનું પ્રતિનિધિત્વ કર્યુ હતું. પેરિસ ઓલિમ્પિકમાં 400 મીટર હર્ડલ રેસ સાથે જ તેણે 4x400 રિલે રેસમાં પણ ગોલ્ડ જીત્યો હતો. આ ઇવેન્ટમાં જ તે ટોક્યો ઓલિમ્પિકમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો.

  • Follow us on: