• પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય એથ્લિટ્સે બહેતર પ્રદર્શન કરતાં દેશ માટે ઘણા રેકોર્ડ બનાવ્યા

  • ભારત મેડલની ટેલીમાં 71મા રેન્ક પર આવી ગયું, જે ટોક્યો ઓલિમ્પિકમાં ભારત 50ની અંદર હતું
  • પેરિસમાં ભારતે એક સિલ્વર મેડલ, પાંચ બ્રોન્ઝ મેડલ જીત્યા છે

પેરિસ ઓલિમ્પિક 2024માં ભારતનું અભિયાન સમાપ્ત થઇ ગયું છે. પહેલવાનીમાં 76 કિલોગ્રામ વજનમાં રીતિકા હૂડાની ક્વાર્ટર ફાઇનલમાં હાર બાદ પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય એથ્લિટ્સની સફર ખતમ થઇ ગઇ હતી. આ ઓલિમ્પિકમાં ભારતીય ટીમ એકપણ ગોલ્ડ મેડલ વગર ભારત પરત ફરશે.

જો કે આ તબક્કે એ બાબત નોંધવી જરૂરી છે કે અનેક ઇવેન્ટ્સમાં ભારતીય એથ્લિટ્સે બહેતર પ્રદર્શન કરતાં દેશ માટે ઘણા રેકોર્ડ બનાવ્યા છે. પરંતુ સાથે ખેદપૂર્વક એ પણ નોંધવું પડશે કે ભારત મેડલની ટેલીમાં 71મા રેન્ક પર આવી ગયું છે કે જ્યારે ટોક્યો ઓલમ્પ્ક્મિાં ભારતનો ક્રમ ટોચના 50ની અંદર હતો. પેરિસમાં ભારતે એક સિલ્વર મેડલ, પાંચ બ્રોન્ઝ મેડલ જીત્યા છે. એટલે કે ભારત કુલ છ મેડલ જીતી શક્યું છે. આ મેડલ્સમાંથી ત્રણ બ્રોન્ઝ મેડલ શૂટિંગમાં આવ્યા છે તો એક-એક બ્રોન્ઝ કુસ્તી અને હોકીમાં મળ્યા છે. પાછલી ઓલિમ્પિકમાં ભાલા ફેંકમાં ગોલ્ડ મેડલ જીતનાર નિરજ ચોપ્રાએ પેરિસમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. શૂટિંગમાં વ્યક્તિગત સ્પર્ધામાં મનુ ભાકર અને સ્વપ્નિલ કુશાલેએ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યા છે. શૂટિંગમાં જ મિક્સ ડબલમાં મનુ ભાકર અને સરબજોત સિંહની જોડીએ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. કુશ્તીમાં અમન સહરાવતે બ્રોન્ઝ મેડલ જીતી લીધો હતો.

હોકીમાં ભારતે બ્રોન્ઝ જાળવી રાખ્યો

હોકીની વાત કરીએ તો આ ઓલિમ્પિકમાં પણ ભારતીય ટીમે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો. જો કે હજું કુશ્તીમાં વિનેશ ફોગાટ પાસેથી એક મેડલની આશા છે. વિનેશનો મામલો હાલમાં સીએએસમાં છે. 13 ઓગસ્ટના રોજ તેને મેડલ મળશે કે નહીં તેનો ચુકાદો આવશે. આગલા ઓલિમ્પિકની એટલે કે ટોક્યો ઓલિમ્પિક સાથે પેરિસ ઓલિમ્પિકમાં ભારતના દેખાવની સરખમણી કરીએ તો ત્યારે ભારતનો દેખાવ વધારે સારો રહ્યો હતો. 2020માં એક ગોલ્ડ, બે સિલ્વર અને ચાર બ્રોન્ઝ મેડલ મળ્યા હતાં અને મેડલર ટેલીમાં પણ ભારતનો નંબર 48મો હતો.

  • Follow us on: