• 1,500 મીટર ફ્રી સ્ટાઇલમાં લેડેસ્કીએ ગોલ્ડ જીત્યો, ટોક્યો ગેમ્સ કરતાં 7 સેકન્ડનો ઓછો સમય લીધો

  • લેડેસ્કીએ માત્ર 15 મિનિટ 30.02 સેકન્ડના સમય સાથે રેસ પૂરી કરી રેકોર્ડ નોંધાવ્યો
  • લેડેસ્કી ઓલિમ્પિકમાં ત્રણ સિલ્વર મેડલ જીતી ચૂકી છે

અમેરિકાની મહિલા સ્વિમર કેટી લેડેસ્કીએ વિમેન્સ 1,500 મીટર ફ્રી સ્ટાઇલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. લેડેસ્કીએ કારકિર્દીમાં આઠમો ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીત્યો છે. લેડેસ્કીએ માત્ર 15 મિનિટ 30.02 સેકન્ડના સમય સાથે રેસ પૂરી કરવાની સાથે રેકોર્ડ પણ નોંધાવ્યો હતો. લેડેસ્કી ઓલિમ્પિકમાં ત્રણ સિલ્વર મેડલ જીતી ચૂકી છે.

તેણે પોતાના ટાઇટલનું ડિફેન્સ કરવાની સાથે ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા હતા. લેડેસ્કી હવે ઓલિમ્પિકની ચાર અલગ અલગ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રથમ મહિલા સ્વિમર પણ બની ગઈ છે. 1,500 મીટર ફ્રી સ્ટાઇલમાં લેડેસ્કીએ પોતાની સ્પીડથી તમામને ચકિત કર્યા હતા. બીજા સ્થાને રહેલી ફ્રાન્સની સ્વિમર એનેસ્તેસિયા કેપરિચનિકોવા અને લેડેસ્કીની વચ્ચે સમયમાં મોટો ફરક રહ્યો હતો. કેપરિચનિકોવાએ 15 મિનિટ 40.35 સેકન્ડમાં રેસ પૂરી કરી હતી. બ્રોન્ઝ મેડલ જીતનાર જર્મન સ્વિમર ઇસાબેલ ગોસે 15 મિનિટ 41.16 સેકન્ડનો સમય લીધો હતો. લેડેસ્કી અને બાકીની બંને મેડાલિસ્ટના ટાઇમિંગ વચ્ચે મોટો ફરક છે. ટોક્યો ગેમ્સની તુલનામાં લેડેસ્કીએ પેરિસમાં રેસ પૂરી કરવા માટે સાત સેકન્ડનો ઓછો સમય લીધો હતો. 1,500 મીટર ફ્રી સ્ટાઇલ ઇવેન્ટમાં છેલ્લા 14 વર્ષથી લેડેસ્કીને કોઈ સ્વિમર હરાવી શકી નથી. લેડેસ્કીએ 15 વર્ષની વયે 2012માં યોજાયેલી લંડન ઓલિમ્પિકમાં ડેબ્યૂ કર્યો હતો અને તેણે 800 મીટર ફ્રી સ્ટાઇલમાં વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન કેટ જિગ્લરને હરાવીને પોતાનો પ્રથમ ઓલિમ્પિક ગોલ્ડ મેડલ જીત્યો હતો.


  • Follow us on: