• મીરાબાઈ સિલ્વર કે બ્રોન્ઝ માટે દાવેદાર રહેશે

  • બર્મિંગહામમાં તેણે કુલ 201 કિલોગ્રામ વેઇટ ઉંચક્યું હતું
  • મીરાબાદ પોતાની પસંદગીની 49 કિલોગ્રામ વેઇટ કેટેગરીમાં પોતાનો દાવો રજૂ કરશે

ટોક્યો ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતીને કર્ણામ મલ્લેશ્વરીથી આગળ નીકળનાર મીરાબાઇ ચાનૂ છેલ્લા કેટલાક સમયથી ઇજાઓની સમસ્યાનો સામનો કરી રહી હોવા છતાં બુધવારે પેરિસ ઓલિમ્પિકમાં પોડિયમ ઉપર પહોંચીને બે ઓલિમ્પિક મેડલ જીતનાર ભારતની પ્રથમ વેઇટલિફ્ટર બનવાના પ્રયાસ કરશે.

મીરાબાઇએ ટોક્યો ગેમ્સમાંના પ્રથમ દિવસે જ મેડલ જીતીને ભારત માટે ખાતું ખોલ્યું હતું. તાજેતરની કેટલીક ઇજાના કારણે તે પેરિસ ગેમ્સની સારી તૈયારી કરી શકી નથી. ટોક્યો બાદ બર્મિંગહામ ખાતે 2022માં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં તેનું બેસ્ટ પ્રદર્શન રહ્યું હતું. બર્મિંગહામમાં તેણે કુલ 201 કિલોગ્રામ વેઇટ ઉંચક્યું હતું. ટોક્યોમાં તેણે 202 કિલોગ્રામ (87 અને 115 કિલોગ્રામ) વજન ઉંચકીને સિલ્વર મેડલ જીત્યો હતો. મીરાબાદ પોતાની પસંદગીની 49 કિલોગ્રામ વેઇટ કેટેગરીમાં પોતાનો દાવો રજૂ કરશે. જો તે પોતાનું બેસ્ટ પ્રદર્શન કરશે તો તે સિલ્વર કે બ્રોન્ઝ મેડલ જીતી શકે છે. આ કેટેગરીમાં ચીનની વર્તમાન ઓલિમ્પિક ચેમ્પિયન હોઉ ઝિહૂઇ વધુ એક વખત ગોલ્ડ મેડલ માટેની પ્રબળ દાવેદાર રહેશે. મીરાબાઇએ મેડલ હાંસલ કરવા માટે 200થી વધારે કિલોગ્રામ વેઇટ ઉંચકવું પડશે. તે 205 સુધી પહોંચે તો તેનો મેડલ લગભગ નિશ્ચિત થઇ શકે છે. ઉત્તર કોરિયાની એશિયન ગેમ્સ ચેમ્પિયન તથા વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર રોંગ ગમની ગેરહાજરી હોવા છતાં 49 કિલોગ્રામ કેટેગરીમાં ઘણી પ્રતિસ્પર્ધા થશે.


  • Follow us on: