- કારકિર્દીમાં ચોથી ઓલિમ્પિકમાં ભાગ લેનાર શ્રીજેશે ટોક્યોમાં ભારતને બ્રોન્ઝ અપાવ્યો હતો
- હોકી ઇન્ડિયાએ 'વિન ઇટ ફોર શ્રીજેશ' અભિયાન શરૂ કર્યું છે
- શ્રીજેશને 2021માં મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યો હતો
અનુભવી ગોલકીપર તથા ભૂતપૂર્વ હોકી સુકાની પીઆર શ્રીજેશે જણાવ્યું હતું કે પેરિસ ઓલિમ્પિક તેની છેલ્લી ઇન્ટરનેશનલ ટૂર્નામેન્ટ રહેશે. ભારત માટે 328 મેચ રમી ચૂકેલા શ્રીજેશ માટે આ ચોથી ઓલિમ્પિક રહેશે. અનેક કોમનવેલ્થ ગેમ્સ, એશિયન ગેમ્સ તથા વર્લ્ડ કપનો હિસ્સો બની ચૂકેલા 36 વર્ષીય શ્રીજેશે ટોક્યો ઓલિમ્પિકમાં શાનદાર ગોલકીપિંગ કરીને ભારતને બ્રોન્ઝ મેડલ જીતાડવામાં મહત્ત્વની ભૂમિકા અદા કરી હતી.
હોકી ઇન્ડિયાએ નેશનલ ટીમ માટે વિન ઇટ ફોર શ્રીજેશ અભિયાન શરૂ કર્યું છે જે ખેલાડીઓને ફરીથી પોડિયમ ઉપર ઊભા રહેવા માટે પ્રેરિત કરશે. 2010માં ડેબ્યૂ કરનાર શ્રીજેશ 2014ની એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ તથા 2018ની એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીતનાર ટીમનો સભ્ય રહ્યો હતો. તે 2018માં એશિયન ચેમ્પિયન ટ્રોફીની સંયુક્ત વિજેતા ટીમ, ભુવનેશ્વરમાં 2019માં એફઆઇએચ મેન્સ સિરીઝ ફાઇનલમાં ગોલ્ડ મેડલ વિનર ટીમ તથા બર્મિંગહામ 2022 કોમનવેલ્થ ગેમ્સમાં સિલ્વર મેડલ જીતનાર ટીમનો હિસ્સો રહ્યો હતો.










