• રાજ્યસભા સાંસદ હરભજન સિંહે ટ્વિટ કરીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો
  • મણિપુરમાં જે બન્યું તે પછી આજે હું શરમ અનુભવું છુંઃ હરભજન
  • અપરાધીઓ પર કડક કાર્યવાહી કરને ફાંસીની સજા આપવી જોઈએ

મણિપુરમાં મહિલાઓ સાથે થયેલી બર્બરતા પર ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર હરભજન સિંહ ગુસ્સે થયા છે. તેમણે ગુનેગારોને ફાંસીની સજાની પણ માંગ કરી છે. તેમજ ઘટના પર હરભજને કહ્યું છે કે આપણે પોતાને માનવ કહેવાનું બંધ કરવું જોઈએ.

ભૂતપૂર્વ ભારતીય સ્પિનર બોલર હરભજન સિંહ મણિપુરની ઘટના પર ગુસ્સે થયા છે. તેમણે ઘટનાના આરોપીઓને સજાની માંગ કરી છે. હાલમાં જ મણિપુરથી એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં કેટલાક લોકો બે મહિલાઓને નિર્વસ્ત્ર કરી પરેડ કરાવતા જોવા મળ્યા હતા. મણિપુરમાં છેલ્લા કેટલાક મહિનાઓથી બે સમુદાયો વચ્ચે હિંસા થઈ રહી છે. આ હિંસામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે.

હરભજને ટ્વિટ કરી કહ્યું, હું શરમ અનુભવું છું
મહિલાઓના વાયરલ વીડિયોને લઈને રાજ્યસભા સાંસદ હરભજન સિંહે ટ્વિટ કરીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. આ ટ્વીટ દ્વારા તેણે કહ્યું કે આ ઘટના માટે ગુસ્સો બહુ નાનો શબ્દ છે. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું, “જો હું કહું કે હું ગુસ્સે છું, તો તે અંડર સ્ટેટમેન્ટ છે. હું ગુસ્સાથી સુન્ન થઈ ગયો છું. મણિપુરમાં જે બન્યું તે પછી આજે હું શરમ અનુભવું છું.

આગળ લખતાં હરભજન સિંહે ઘટનાના દોષિતોને ફાંસીની સજાની માંગ કરી હતી. તેણે લખ્યું, “જો આ જઘન્ય અપરાધના અપરાધીઓ પર કાનૂની કાર્યવાહી નહીં કરવામાં આવે અને મૃત્યુદંડ નહીં આપવામાં આવે, તો આપણે પોતાને માનવ કહેવાનું બંધ કરવું જોઈએ. તે મને બીમાર કરે છે કે આ બન્યું છે. બસ બહુ થયું હવે. સરકારે પગલાં લેવા જોઈએ."

શું છે સમગ્ર મામલો
આ ઘટના બાદ સમગ્ર ભારતમાં ગુસ્સો જોવા મળી રહ્યો છે. આ મામલામાં મણિપુર પોલીસે જણાવ્યું કે થોબલ જિલ્લાના નોંગપોક સેકમાઈ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા લોકો વિરુદ્ધ અપહરણ, હત્યા અને સામૂહિક બળાત્કારનો કેસ નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત પોલીસ દ્વારા એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આરોપીઓને વહેલી તકે પકડવાના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. માહિતી અનુસાર, લાંબા સમયથી ચાલી રહેલી મણિપુર હિંસામાં અત્યાર સુધીમાં 150થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે.

  • Follow us on: