- ઇંગ્લેન્ડને પ્રથમ ઈનિંગની લીડ મદદમાં આવી
- જેક ક્રોલીએ પાકિસ્તાનમાં ઇતિહાસ સર્જી દીધો
- ઇંગ્લેન્ડે 167 રનના લક્ષ્યનો પીછો કરતાં બે વિકેટના નુકસાન પર 112 રન બનાવી લીધા
ઇંગ્લેન્ડની ક્રિકેટ ટીમ કરાચીમાં રમાઈ રહેલી પાકિસ્તાન સામેની ત્રીજી ટેસ્ટમાં પણ વિજયની સાવ નજીક છે. ઇંગ્લેન્ડે મેચના ત્રીજા દિવસના અંતે બીજી ઈનિંગમાં વિજય માટે 167 રનના લક્ષ્યનો પીછો કરતાં બે વિકેટના નુકસાન પર 112 રન બનાવી લીધા અને જીત માટે હવે તેને ફક્ત 55 રનની જરૂર છે. પાકિસ્તાનને હવે કોઈ ચમત્કાર જ બચાવી શકે તેમ છે. સોમવારે દિવસના અંતે બેન ડકેટ 50 રન બનાવીને અને કેપ્ટન બેન સ્ટોક્સ 10 રન બનાવીને અણનમ હતાં. પાકિસ્તાને ત્રીજા દિવસનો આરંભ વીના વિકેટે 21 રન સાથે કર્યો હતો. ઇંગ્લેન્ડના લેગ સ્પીનર રેહાન અહમદે પાંચ વિકેટ ઝડપીને પાકિસ્તાનને બીજી ઈનિંગમાં મોટો સ્કોર કરવા દીધો ન હતો. બીજી ઈનિંગમાં પાકિસ્તાનની ટીમ 216 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

ઇંગ્લેન્ડને પ્રથમ ઈનિંગની લીડ મદદમાં આવી
પાકિસ્તાને પ્રથમ ઈનિંગમાં 304 રન બનાવ્યા હતાં જેના જવાબમાં ઇંગ્લેન્ડે પ્રથમ ઈનિંગમાં 354 રન બનાવી 50 રનની લીડ મેળવી હતી. હવે પાકિસ્તાન બીજી ઈનિંગમાં ફક્ત 216 બનાવી શકી હતી જેને પગલે ઇંગ્લેન્ડને વિજય માટે 167 રનનું લક્ષ્ય મળ્યું હતું. ઇંગ્લેન્ડના ઓપનર્સે બીજી ઈનિંગમાં સારી શરૂઆત આપી હતી. જેક ક્રોલી અને બેન ડકેટ વચ્ચે પ્રથમ વિકેટ માટે 87 રનની ભાગીદારી થઈ હતી. જેક ક્રોલી સાત ફોર સાથે 41 રન કરી અબરારની બોલિંગમાં આઉટ થયો હતો.

જેક ક્રોલીએ પાકિસ્તાનમાં ઇતિહાસ સર્જી દીધો
ઇંગ્લેન્ડના જેક ક્રોલી માટે પાકિસ્તાનનો પ્રવાસ એકદમ ખાસ બની ગયો છે. 23 વર્ષના આ બેટ્સમેને પાકિસ્તાનમાં પ્રથમ પ્રવાસમાં જ ઇતિહાસ રચી દીધો છે. તેણે પાંચ ઈનિંગમાં ત્રણ સદી અને એક અર્ધસદી નોંધાવી છે. આ સાથે તેણે 38 વર્ષનો રેકોર્ડ તોડીને પ્રથમ સ્થાન પર બિરાજમાન થયો છે. હવે તે પાકિસ્તાનમાં સૌથી વધારે ટેસ્ટ રન બનાવનારો ઇંગ્લેન્ડનો ખેલાડી બની ગયો છે. આ માટે તેણે ડેવિડ ગોવર અને માર્ક્સ ટ્રેસ્કોથિક જેવી દિગ્ગજ ખેલાડીઓને પાછળ રાખી દીધા છે.