• પાકિસ્તાને બાંગ્લાદેશ સામેની ટેસ્ટ મેચ માટે તેના પ્લેઈંગ-11ની જાહેરાત કરી
  • બંને ટીમો વચ્ચે 2 ટેસ્ટ મેચની સિરીઝ રમાવાની છે
  • પાકિસ્તાનના નવા ટેસ્ટ કોચ જેસન ગિલેસ્પી માટે પણ આ પ્રથમ સિરીઝ હશે

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે આવતીકાલથી બાંગ્લાદેશ સામે શરૂ થનારી ટેસ્ટ મેચ માટે તેના પ્લેઈંગ-11ની જાહેરાત કરી છે. બંને ટીમો વચ્ચે 2 ટેસ્ટ મેચની સિરીઝ રમાવાની છે, જેમાં પ્રથમ મેચ આવતીકાલથી રાવલપિંડી ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે જ્યારે બીજી મેચ 30 ઓગસ્ટથી કરાચીમાં રમાશે. બાંગ્લાદેશ સામે પાકિસ્તાનની આ સિરીઝ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં પણ ફેરફાર કરી શકે છે. પાકિસ્તાનના નવા ટેસ્ટ કોચ જેસન ગિલેસ્પી માટે પણ આ પ્રથમ સિરીઝ હશે, જેમાં તે જીત સાથે પોતાના કાર્યકાળની શરૂઆત કરવાનો પ્રયાસ કરશે.

બાબર આઝમ મિડલ ઓર્ડરમાં બેટિંગ કરશે

પાકિસ્તાનની પ્લેઈંગ-11 પર નજર કરીએ તો અબ્દુલ્લા શફીક અને સૈમ અયુબ ઓપનિંગ કરતા અને કેપ્ટન શાન મસૂદ ત્રીજા નંબર પર બેટિંગ કરતો જોવા મળી શકે છે. જ્યારે અનુભવી બાબર આઝમને ચોથા નંબર પર રાખવામાં આવ્યો છે. બાબર આઝમ બાદ મિડલ ઓર્ડર બેટિંગની કમાન વાઈસ કેપ્ટન સઈદ શકીલ અને વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન પર નિર્ભર રહેશે.


પાકિસ્તાને ઓસ્ટ્રેલિયા જેવી સ્ટ્રેટેજી બનાવી

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા જેવી રણનીતિ અપનાવી છે. ઓસ્ટ્રેલિયા સામાન્ય રીતે સારી સ્પિન રમતી ટીમો સામે 4 ઝડપી બોલરોને મેદાનમાં ઉતારે છે. પાકિસ્તાને પણ બાંગ્લાદેશ સામે આવી જ રણનીતિ અપનાવી છે. પાકિસ્તાને પ્રથમ મેચની પ્લેઈંગ-11માં ચાર ફાસ્ટ બોલરોનો સમાવેશ કર્યો છે. તેમાં શાહીન શાહ આફ્રિદી, નસીમ શાહ, ખુર્રમ શહજાદ અને મોહમ્મદ અલીનો સમાવેશ થાય છે. જ્યારે ટીમમાં સ્પિન બોલિંગ સઈદ શકીલ અને સલમાન અલી સંભાળશે જે વિશેષજ્ઞ સ્પિનરો તરીકે નથી આવતા.


પાકિસ્તાન માટે આ સિરીઝ મહત્વની

પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની આ સિરીઝને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ના દૃષ્ટિકોણથી મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તાજેતરમાં, દક્ષિણ આફ્રિકાએ સિરીઝમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં 5મું સ્થાન મેળવ્યું હતું. જ્યારે પાંચમા સ્થાને રહેલી પાકિસ્તાનની ટીમ છઠ્ઠા સ્થાને પહોંચી હતી. પાકિસ્તાન આ સિરીઝ જીતીને પોઈન્ટ ટેબલમાં પોતાની સ્થિતિ સુધારવાનો પ્રયાસ કરી રહ્યું છે.

પ્રથમ ટેસ્ટ મેચ માટે પાકિસ્તાનના પ્લેઈંગ-11ની જાહેરાત

અબ્દુલ્લા શફીક, સઈમ અયુબ, શાન મસૂદ (કેપ્ટન), બાબર આઝમ, સઈદ શકીલ (વાઈસ-કેપ્ટન), મોહમ્મદ રિઝવાન (વિકેટકીપર), સલમાન અલી આગા, શાહીન શાહ આફ્રિદી, નસીમ શાહ, ખુર્રમ શાહજાદ અને મોહમ્મદ અલી.

  • Follow us on: