• પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ સિરીઝ રમાશે
  • અરશદ નદીમને ડ્રેસિંગ રૂમમાં આવવાનું આમંત્રણ
  • બાબર આઝમ અને ખેલાડીઓને પ્રોત્સાહિત કરશે નદીમ

પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચે ટેસ્ટ સિરીઝ રમાવા જઈ રહી છે. જેની પ્રથમ મેચ 21મી ઓગસ્ટે કરાચીમાં રમાશે. જેના માટે બાંગ્લાદેશની ટીમ પાકિસ્તાનના પ્રવાસે છે. આ સિરીઝ પહેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પેરિસ ઓલિમ્પિકમાં પાકિસ્તાન માટે એકમાત્ર ગોલ્ડ મેડલ જીતનાર અરશદ નદીમને ડ્રેસિંગ રૂમમાં આવવાનું આમંત્રણ આપ્યું છે. આ અંગે પાકિસ્તાન ક્રિકેટનું કહેવું છે કે ટેસ્ટ ટીમના કોચ જેસન ગિલેસ્પીએ ઓલિમ્પિયનને ડ્રેસિંગ રૂમમાં આવવા અને બાબર આઝમ અને ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે ખુલ્લું આમંત્રણ આપ્યું છે.

અરશદ ટૂંક સમયમાં ડ્રેસિંગ રૂમમાં પ્રવેશ કરશે

પાકિસ્તાન ટેસ્ટ ટીમના કોચ જેસન ગિલેસ્પીએ કહ્યું કે અમે અરશદ નદીમને ડ્રેસિંગ રૂમમાં આમંત્રિત કરવાનું પસંદ કરીશું. મેં શાહીનને ઓલિમ્પિક દરમિયાન તેને ચીયર કરતા જોયો હતો. તેને ટીમમાં આવવું અને તેનો સુવર્ણ ચંદ્રક ટીમ સાથે શેર કરવો તે ખૂબ જ શાનદાર મૂમેન્ટ હશે, ખાસ કરીને ઓલિમ્પિકની ભાવના હજુ પણ હવામાં છે. તે એક મહાન ક્ષણ હતી અને અમે તેને ડ્રેસિંગ રૂમમાં આવવાનું ખુલ્લું આમંત્રણ આપીએ છીએ.


અરશદે ઓલિમ્પિકમાં ઈતિહાસ રચ્યો

અરશદ નદીમે પેરિસ ઓલિમ્પિકમાં 92.97 મીટર ભાલો ફેંક્યો હતો. આ સાથે અરશદે નવો ઓલિમ્પિક રેકોર્ડ બનાવ્યો અને ગોલ્ડ મેડલ પણ જીત્યો. અરશદે 40 વર્ષ બાદ પાકિસ્તાનને ઓલિમ્પિકમાં મેડલ અપાવ્યો. ઓલિમ્પિકમાં પાકિસ્તાનનો પ્રથમ વ્યક્તિગત ગોલ્ડ મેડલ જીતીને અરશદ રાતોરાત સ્ટાર બની ગયો હતો. પાકિસ્તાન પરત ફરતાં તેનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું, આ ઉપરાંત આ ખેલાડી પર ઘણી રકમનો વરસાદ પણ થયો હતો.


  • Follow us on: