- એડમ ઝમ્પાની સ્પિન બોલિંગ સામે પાકિસ્તાની બેટ્સમેનોની શરણાગતિ
- પાક. ટીમ ઓપનર્સે અપાવેલી સારી શરૂઆતનો ફાયદો ન લઇ શકી
- પાકિસ્તાન જીત માટેના 368 રનના લક્ષ્યાંક સામે 305 રનમાં જ સમેટાઇ ગયું
બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી વર્લ્ડ કપની પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા સામેની લીગ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 62 રને પરાજય આપ્યો છે. ઓસ્ટ્રેલિયન સ્પિનર એડમ ઝમ્પાની શાનદાર બોલિંગ સામે પાકિસ્તાની ટીમે શરણાગતિ સ્વીકારી લેતા પાક.નો પરાજય થયો હતો. જીત માટેના 368 રનના તોતિંગ લક્ષ્યાંક સામે મેદાનમાં રમવા ઉતરેલી પાકિસ્તાન ટીમે પણ મજબૂત શરુઆત કરી હતી. પાકિસ્તાની ઓપનર અબ્દુલ્લા શફીક અને ઇમામ ઉલ હકએ પહેલી વિકેટ માટે 134 રનની ભાગીદારી કરીને સારી શરુઆત કરી હતી પરંતુ સ્ટોઇનિસે બે વિકેટ ઝડપી પાકિસ્તાની ચેઝને આંચકા આપ્યા હતા. શફીક (64) અને હક (70) સિવાય પાકિસ્તાનના અન્ય બેટ્સમેનો સફળ રહ્યા નહોતા.મોહમ્મદ રિઝવાન 46 રન બનાવીને થોડો પ્રતિકાર કરી શક્યો હતો. ઓસ્ટ્રેલિયા વતી ઝમ્પાએ 10 ઓવરમાં 53 રન આપીને ચાર વિકેટ ખેરવી હતી જ્યારે કમિન્સ અને સ્ટોઇનિસ બે-બે વિકેટ ઝડપવામાં સફળ રહ્યા હતા. આ પહેલા ટોસ જીતીને પાકિસ્તાને પહેલા ફિલ્ડિંગ લીધી હતી. પહેલા બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાન સામે 368 રનનું તોતિંગ લક્ષ્યાંક ખડક્યુ હતું. ઓસ્ટ્રેલિયાએ ઓપનર ડેવિડ વોર્નર અને મિચેલ માર્શ વચ્ચે થયેલી 259 રનનીભાગીદારીના જોરે 367 રન બનાવ્યા હતા. વોર્નર (163) અને માર્શ (121)એ પાકિસ્તાની બોલિંગની આબરુના લીરા કાઢયા હતા. વોર્નર અને માર્શ સિવાય ટીમના કોઇપણ અન્ય બેટ્સમેન 25 રનના આંકડાના પાર કરી શક્યા નહોતા. પાકિસ્તાન વતી શાહિન આફરીદીએ સૌથી વધારે પાંચ વિકેટ ખેરવી હતી જ્યારે હારિસ રઉફને ત્રણ વિકેટ મળી હતી. ઓસામા મીરને પણ એક વિકેટ મળી હતી.
શાહીને શાહીદ આફરીદીના રેકોર્ડની બરાબરી કરી










