પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આવતા વર્ષે ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની કરવા જઈ રહ્યું છે. પરંતુ BCCI અને PCB વચ્ચે આ ટૂર્નામેન્ટના આયોજનને લઈને વિવાદ ખતમ થઈ રહ્યો નથી. હવે ICCએ બંને બોર્ડ વચ્ચેના મતભેદોને દૂર કરવા માટે વર્ચ્યુઅલ મીટિંગનું આયોજન કર્યું છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આ સમય દરમિયાન ICC ટૂર્નામેન્ટને હાઇબ્રિડ મોડલમાં યોજવા માટે પાકિસ્તાન પર દબાણ કરશે. આ દરમિયાન પીસીબીએ હવે એક નવી ધમકી આપી છે, જેમાં તેણે કહ્યું છે કે જો આવું થશે તો તે ભવિષ્યમાં ચેમ્પિયન્સ ટ્રોફીનો બદલો પણ લેશે અને ભારત સામે પણ આવી જ માંગ કરશે.


આ ટૂર્નામેન્ટમાં બદલો લેશે પાકિસ્તાન 

ચેમ્પિયન્સ ટ્રોફી બાદ ભારતમાં બે મોટી ટૂર્નામેન્ટ યોજાવાની છે. આવતા વર્ષે ભારત દ્વારા મહિલા વનડે વર્લ્ડકપનું આયોજન કરવામાં આવનાર છે. આ પછી 2026માં ભારત અને શ્રીલંકામાં મેન્સ ટી-20 વર્લ્ડકપનું આયોજન કરવામાં આવશે. આ જોતાં PCB પણ BCCI જેવું જ વલણ અપનાવી શકે છે. ધ ટેલિગ્રાફે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના સૂત્રોને ટાંકીને અહેવાલ આપ્યો છે કે જો ચેમ્પિયન્સ ટ્રોફીને હાઇબ્રિડ મોડલમાં આયોજિત કરવાની ફરજ પાડવામાં આવશે, તો તે આગામી બે મોટી ટૂર્નામેન્ટ માટે પણ આ જ માંગ કરશે.

PCBએ આપી ધમકી

સૂત્રોનું માનીએ તો PCBએ ધમકી આપી છે કે ભવિષ્યમાં તે મહિલા વનડે વર્લ્ડકપ માટે પોતાની ટીમ ભારત નહીં મોકલે. આ માટે પણ હાઇબ્રિડ મોડલ ICCને અપનાવવું પડશે. આ સિવાય તે T20 વર્લ્ડકપ 2026ની તમામ મેચો ભારતમાં નહીં પરંતુ શ્રીલંકામાં રમશે. જો આ બંને ટૂર્નામેન્ટમાં તેની હાઇબ્રિડ મોડલની માંગ સ્વીકારવામાં નહીં આવે તો તે પોતાનું નામ પાછું ખેંચી લેશે. તમને જણાવી દઈએ કે પીસીબીના અધ્યક્ષ મોહસિન નકવીએ હાલમાં જ પોતાની પ્રેસ કોન્ફરન્સમાં કડક શબ્દોમાં કહ્યું હતું કે જો ભારતીય ટીમ પાકિસ્તાન નહીં જાય તો પાકિસ્તાની ટીમ પણ ભારત નહીં આવે.

BCCIએ શું કહ્યું?

BCCIઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ પણ ચેમ્પિયન્સ ટ્રોફી મુદ્દે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે 'ICC ચેમ્પિયન્સ ટ્રોફી હાઇબ્રિડ મોડલમાં યોજવા માટે પણ વિચારણા કરવામાં આવી રહી છે. આ સિવાય અન્ય વિકલ્પો પણ છે. અમારા માટે ભારતીય ખેલાડીઓની સુરક્ષા પ્રાથમિકતા છે, તેના આધારે નિર્ણય લેવામાં આવશે. અત્યારે વાતચીત ચાલી રહી છે, જ્યારે બધું ફાઇનલ થશે ત્યારે અમે તમને જણાવીશું.

  • Follow us on: