પાકિસ્તાની ક્રિકેટમાં ઉથલપાથલનો સમયગાળો ચાલુ છે, જ્યાં ટીમના ઝડપી બોલર મોહમ્મદ આમિરે શનિવારે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી. આમિરના એક દિવસ પહેલા ટીમના સ્પિન ઓલરાઉન્ડર ઈમાદ વસીમે પણ નિવૃત્તિની જાહેરાત કરી હતી. આમિર અને ઈમાદ બંને આ વર્ષે અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં યોજાયેલા T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાન તરફથી રમ્યા હતા. 32 વર્ષીય આમિરે જૂન 2009માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યા બાદ પાકિસ્તાન માટે 36 ટેસ્ટ, 61 ODI અને 62 T20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે.
2017ની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં આમિરનું પ્રદર્શન જોરદાર રહ્યું
આમિરે ત્રણેય ફોર્મેટમાં 271 વિકેટ લીધી અને 1,179 રન બનાવ્યા. ડાબોડી ફાસ્ટ બોલર ભારત સામે 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં તેના શાનદાર પ્રદર્શન માટે જાણીતો છે, જ્યાં તેણે 16 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. ભારત સામેની ફાઈનલ મેચમાં આમિરે રોહિત શર્મા, વિરાટ કોહલી અને શિખર ધવનની મહત્વની વિકેટ લીધી હતી.
https://twitter.com/Seemu_Stan/status/1867823553846145232
આમિરે પણ 2021માં લીધી હતી નિવૃત્તિ
મોહમ્મદ આમિરે અગાઉ 2021 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી, જો કે, તેણે આ વર્ષે પોતાનો નિર્ણય પાછો ખેંચી લીધો અને T20 વર્લ્ડ કપ માટે તેની ઉપલબ્ધતાની જાહેરાત કરી. તેણે આ વર્ષે ન્યુઝીલેન્ડ સામેની સિરીઝ સાથે 3 વર્ષ અને 8 મહિનાના અંતરાલ પછી રાષ્ટ્રીય ટીમનું પ્રતિનિધિત્વ કર્યું. તેણે આગળ T20 વર્લ્ડકપ રમ્યો અને 4 મેચમાં 7 વિકેટ લીધી.
https://twitter.com/CricCrazyJohns/status/1867800993699869031
વર્લ્ડકપ માટે નિવૃત્તિ પાછી ખેચી
ટૂર્નામેન્ટના પ્રથમ રાઉન્ડમાં પાકિસ્તાનની શરમજનક હારથી આંતરરાષ્ટ્રીય સ્તરે તેમની બીજી ઇનિંગ્સનો અનપેક્ષિત રીતે અંત આવ્યો હતો. પોતાની નિવૃત્તિ અંગે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને આપેલા નિવેદનમાં આમિરે કહ્યું, 'પાકિસ્તાન તરફથી ત્રણેય ફોર્મેટમાં રમવું મારા માટે બહુ સન્માનની વાત છે. હું જાણું છું કે આ એક મુશ્કેલ નિર્ણય છે, પરંતુ મને લાગે છે કે આગામી પેઢી માટે પાકિસ્તાન ક્રિકેટને નવી ઊંચાઈઓ પર લઈ જવાનો આ યોગ્ય સમય છે.
વિરાટ કોહલીએ પણ કર્યા હતા વખાણ
થોડા સમય પહેલા એક ઈન્ટરવ્યુમાં દિગ્ગજ ભારતીય ખેલાડી વિરાટ કોહલીએ પણ પાકિસ્તાનના આ ફાસ્ટ બોલરની પ્રશંસા કરી હતી. તેને પૂછવામાં આવ્યું કે તેને કયા બોલર સામે બેટિંગ કરવી મુશ્કેલ લાગી, જેના માટે તેણે મોહમ્મદ આમિરનું નામ લીધું હતું.