- પાકિસ્તાની બેટ્સમેનો પોતાની બેટિંગમાં એક પણ સિક્સર ફટકારી શક્યા નહોતા
- વર્લ્ડકપની મેચમાં ભારતે પાકિસ્તાનને સાત વિકેટે પરાજય આપ્યો હતો
- ભારતે આ સાથે જ વર્લ્ડકપમાં પાકિસ્તાનને આઠમી વાર પરાજય આપ્યો
અમદાવાદમાં રમાયેલી ભારત અને પાકિસ્તાન વચ્ચેની વર્લ્ડકપની મેચમાં ભારતે પાકિસ્તાનને સાત વિકેટે પરાજય આપ્યો હતો. ભારતે આ સાથે જ વર્લ્ડકપમાં પાકિસ્તાનને આઠમી વાર પરાજય આપ્યો છે. વર્લ્ડકપમાં પાકિસ્તાનને હરાવવાનો સિલસિલો સતત ચાલી રહ્યો છે. અમદાવાદમાં રમાયેલી મેચમાં ઘણાં અન્ય રેકોર્ડસ પણ બન્યા છે. આ મેચમાં હિટમેન રોહિત શર્માએ સિક્સરની હાર લગાવી દીધી હતી. તેણે પોતાની 300 સિક્સર પૂરી કરી હતી. તેના વનડે ક્રિકેટમાં કુલ 303 છગ્ગા થઇ ગયા છે અને સિક્સર ફટકારવાના મામલે ત્રીજા ક્રમે છે. સાથે જ રોહિત વર્લ્ડકપમાં પણ સૌથી વધારે સિક્સર ફટકારવાના મામલે ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. વર્લ્ડકપમાં રોહિત 34 સિક્સર ફટકારી ચૂક્યો છે. તેની આગળ ડિવિલિયર્સ (37) અને ક્રિસ ગેઇલ (49) છે.
પાક.નો લોએસ્ટ સ્કોર
પાકિસ્તાને ભારત સામે પોતાનો ત્રીજો સૌથી ઓછો સ્કોર નોંધાવ્યો છે. માર્ચ 1992માં સિડનીમાં 173, 1999માં માન્ચેસ્ટરમાં 180 રન બાદ અમદાવાદમાં પાકિસ્તાનનો આ ભારત સામેનો ત્રીજા નંબરનો સૌથી નીચો સ્કોર હતો. આ વર્લ્ડકપમાં આ બીજી મેચ હતી જ્યાં એક ઇનિંગમાં કોઇપણ ખેલાડી સિક્સર મારી શક્યા નહોતા. પાકિસ્તાનની ઇનિંગમાં એક પણ સિક્સર વાગી નહોતી. જ્યારે ભારતની ઇનિંગમાં રોહિત અને ઐયરે સિક્સરની ભરમાર લગાવી દીધી હતી.
પાકિસ્તાની બેટ્સમેનો મારા બોલને સમજી જ નહોતા શક્યા : કુલદીપ યાદવ
ભારતીય ટીમના સ્પિનર કુલદીપ યાદવનું માનવું છે કે તે પાકિસ્તાની બેટ્સમેનોના મગજમાં ભ્રમ પેદા કરવામાં સફળ રહ્યો હતો, જેમણે શનિવારે રમાયેલી ભારત સામેની મેચમાં કુલદીપના બોલને સમજ્યા વિના જ જોખમી શોટ્સ રમીને પોતાની વિકેટો ફેંકી હતી. કુલદીપે સઉદ શકીલ અને ઇફ્તિખાર એહમદની મહત્ત્વપૂર્ણ વિકેટો ઝડપી હતી. આ બંને બેટ્સમેન કુલદીપના બોલમાં સ્વિપ શોટ રમવા જતા આઉટ થયા હતા. કુલદીપને સવાલ કરાયો કે શું તેણે ઇફ્તિખારના પગને નિશાન બનાવીને બોલિંગ કરવાની રણનીતિ ઘડી હતી ત્યારે તેણે કહ્યું હતું કે, ના મેં તેવી કોઇ રણનીતિ કે યોજના નહોતી બનાવી પણ હું ગુગલી નાખવાનો પ્રયાસ કરી રહ્યો હતો.