• 'ધ ગ્રેટ પાકિસ્તાન કોલેપ્સ' ફરી એકવાર

  • AUS સામે 20 રનમાં ગુમાવી 7 વિકેટ

  • કમિન્સ-સ્ટાર્કની જોડીએ લીધી 9 વિકેટ

સુકાની બાબર આઝમ અને ટોચના ક્રમના બેટ્સમેનોની શાનદાર રમત બાદ પાકિસ્તાનની ટીમ ત્રીજી ટેસ્ટમાં પણ ઓસ્ટ્રેલિયાને પડકાર ફેંકતી નજરે પડી હતી, પરંતુ ત્રીજા દિવસના અંત સુધીમાં પાકિસ્તાનની ઇનિંગ્સ પત્તાની જેમ પડી ભાંગી હતી.

પાકિસ્તાનનો ધબડકો

ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ લાહોરમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ મેચમાં સારી શરૂઆત બાદ પાકિસ્તાનનો ધબડકો થયો હતો. જોરદાર શરૂઆત કર્યા બાદ પાકિસ્તાની બેટ્સમેનોએ ધડાધડ વિકેટ ગુમાવી હતી અને માત્ર 20 રનની અંદર ટીમે તેમની છેલ્લી 7 વિકેટ ગુમાવી દીધી હતી. આ સાથે મેચના ત્રીજા દિવસે પાકિસ્તાની ટીમ માત્ર 268ના સ્કોર પર ઓલઆઉટ થઈ ગઈ હતી.


પાકિસ્તાની બેટિંગની અનિશ્ચિતતા

રાવલપિંડી અને કરાચી ટેસ્ટ ડ્રો થયા બાદ બંને ટીમો માટે લાહોર ટેસ્ટ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. લાહોર ટેસ્ટના પ્રથમ દાવમાં પાકિસ્તાની બેટિંગની અનિશ્ચિતતા ફરી સામે આવી હતી. પાકિસ્તાને ત્રીજા દિવસના અંતે રમતમાં 3 વિકેટ ગુમાવીને 248 રન બનાવ્યા હતા. આ સ્કોર બાદ ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સ (5 વિકેટ) અને મિચેલ સ્ટાર્ક (4 વિકેટ)ના શાનદાર પ્રદર્શનના કારણે પાકિસ્તાનનો ધબડકો થયો હતો. 248 રન બાદ પાકિસ્તાને તેની બાકીની 7 વિકેટ માત્ર 20 રનમાં ગુમાવી દીધી હતી.

કમિન્સ-સ્ટાર્કની જોડીની ધમાલ

પાકિસ્તાનનો એકપણ પૂંછડીયા બેટ્સમેન પોતાનું ખાતું ખોલાવી શક્યો નહોતો. ફવાદ આલમની વિકેટ પછી, પાકિસ્તાનની ઇનિંગ્સ સંપૂર્ણપણે વિનાશક દેખાતી હતી અને કમિન્સ-સ્ટાર્કની જોડીએ ત્રીજા દિવસના અંતિમ કલાકમાં જ પાકિસ્તાનને 268 રનમાં આઉટ કરી દીધું હતું.  

ઓસ્ટ્રેલિયાની 134 રનની લીડ

ઓસ્ટ્રેલિયાના બંને અનુભવી બોલરોએ મળીને 9 વિકેટ ઝડપી હતી. ચોથી વિકેટ બાદ પાકિસ્તાનનો દાવ માત્ર 10 ઓવર જ ચાલી શક્યો હતો. ટોચના ક્રમને બાદ કરતાં તમામ ખેલાડીઓ પાકિસ્તાન માટે નિરાશ થયા હતા. પ્રથમ દાવમાં ઓસ્ટ્રેલિયાના 391 રનના જવાબમાં પાકિસ્તાન 268 રનમાં ઓલઆઉટ થઈ ગયું હતું. ત્રીજા દિવસના અંત સુધીમાં ઓસ્ટ્રેલિયાએ ત્રણ ઓવર બેટિંગ કરી અને 11 રન ઉમેર્યા. ત્રીજા દિવસના અંતે પાકિસ્તાન પર ઓસ્ટ્રેલિયાની લીડ વધીને 134 રન થઈ ગઈ છે.


ટેસ્ટમાં જીત સિરીઝ અપાવશે

પાકિસ્તાન તરફથી અબ્દુલ્લા શફીકે 81, અઝહર અલીએ 78 અને કેપ્ટન બાબર આઝમે 67 રન બનાવ્યા હતા. આ સિવાય ફવાદ આલમ (13) અને ઇમામ-ઉલ-હક (11) જ ડબલ ફિગર સુધી પહોંચી શક્યા. લાહોર ટેસ્ટમાં હજુ બે દિવસની રમત બાકી છે. ચોથા દિવસના પ્રથમ સત્રમાં ઓસ્ટ્રેલિયા તેના ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નર અને ઉસ્માન ખ્વાજા પાસેથી ઝડપી રનની અપેક્ષા રાખશે. આ ટેસ્ટમાં જીત સિરીઝ પણ અપાવશે.

  • Follow us on: