• અફઘાનિસ્તાન સામે પરાજયથી પાકિસ્તાનની સેમિફાઇનલ પ્રવેશની આશાને આંચકો લાગશે

  • ટૂર્નામેન્ટમાં હજુ સુધી પાકિસ્તાનના બોલર્સ કે બેટ્સમેનો સારો દેખાવ કરી શક્યા નથી
  • પાકિસ્તાની બેટ્સમેનો ખાસ કરીને બાબર આઝમે સારી ઇનિંગ રમવી પડશે

પાકિસ્તાને જો વર્લ્ડ કપમાં પોતાના અભિયાનને પાટે લાવવું હોય તો તેણે ચેપૉકની ધીમી ગતિ ધરાવતા બોલર્સ માટે અનુકૂળ મનાતી પિચ પર સોમવારે રમાનારી મેચમાં અફઘાનિસ્તાનના સ્પિનર્સ સામે ખૂબ જ સતર્કતા સાથે રમવું પડશે. છેલ્લી બે મેચમાં ભારત અને ઓસ્ટ્રેલિયા સામે પરાજય બાદ પાકિસ્તાને ટૂર્નામેન્ટમાં પોતાની આશાને જીવંત રાખવા માટે આ મેચમાં કોઇપણ સંજોગોમાં જીત મેળવવી પડશે કારણ કે એક અન્ય હાર ટીમની સેમિફાઇનલમાં પ્રવેશની સંભાવનાઓને આંચકો આપશે. પાકિસ્તાનના ચાર મેચમાં ચાર પોઇન્ટ છે. પાકિસ્તાની બેટ્સમેનો હજુ સુધી સ્પિનર્સ સામે સારો દેખાવ કરી શક્યા નથી જે તેમના માટે ચિંતાનો વિષય છે. એટલે સુધી કે બેંગલુરુની બેટિંગ માટેની અનુકૂળ વિકેટ પર પણ ઓસ્ટ્રેલિયાના સ્પિનર એડમ ઝમ્પા સામે પાકિસ્તાની બેટ્સમેનોએ સંઘર્ષ કરવો પડયો હતો. અફઘાનિસ્તાનની સ્પિન બોલિંગ મજબૂત છે જેમાં રાશિદ ખાન, મોહમ્મદ નબી અને મુજીબ ઉર રહેમાન જેવા સ્પિનર સામેલ છે, આ ત્રિપુટી દુનિયાના દિગ્ગજ બેટ્સમેનોને તકલીફમાં નાખવા સમર્થ છે.

ચેપૉકની સ્પિન ફ્રેન્ડલી વિકેટ પર અફઘાની સ્પિનર્સનો મુકાબલો સરળ નહીં રહે. તેવામાં પાકિસ્તાની બેટ્સમેનો ખાસ કરીને બાબર આઝમે સારી ઇનિંગ રમવી પડશે. બાબરે ટૂર્નામેન્ટમાં હજુ સુધી સારો દેખાવ નથી કર્યો. જોકે, વિકેટ કીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન સારા ફોર્મમાં છે અને પાકિસ્તાનનો સઘળો દારોમદાર તેની પર જ રહેશે. મિડલ ઓર્ડરમાં સઉદ શકીલ અને ઇફ્તિખાર અહેમદ પણ હજુ સુધી અપેક્ષિત પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યા છે. સામાન્ય રીતે જોવા મળ્યું છે કે જ્યારે પાકિસ્તાની બેટ્સમેનો ક્લિક નથી થતા ત્યારે તેમની બોલિંગ ઝળકે છે પણ ટૂર્નામેન્ટમાં હજુ સુધી પાકિસ્તાની બોલિંગ પણ ક્લિક થઇ શકી નથી. આફરિદીએ ઓસ્ટ્રેલિયા સામે પાંચ વિકેટ ઝડપી ફોર્મમાં પરત ફરવાના સંકેત આપ્યા છે પરંતુ હારિસ રઉફ અને હસન અલીનું ફોર્મ ચિંતાનો વિષય બનેલું છે. સ્પિન મોરચે શાદાબ ખાન અને મોહમ્મદ નવાઝ પણ સારો દેખાવ કરી શક્યા નથી. અફઘાની બેટ્સમેનોએ પણ પાકિસ્તાન સામે સારો દેખાવ કરવો પડશે.


  • Follow us on: