- ઇટાલીમાં દેશની ઇજ્જતના ફાલુદા કર્યા
- વિદેશી કરન્સી ચોરીને ઇટાલીમાં ફરાર થઈ ગયો, પોલીસમાં ફરિયાદ નોંધાવી
- પાકિસ્તાન એમેચ્યોર બોક્સિંગ ફેડરેશને આ બાબતનો ખુલાસો કર્યો છે
પાકિસ્તાનના એક મેન્સ બોક્સરની શરમજનક હરકતનો ઘટસ્ફોટ થયો છે. તે ઇટાલીમાં પોતાની મહિલા સાથી ખેલાડીના પર્સમાંથી પૈસા ચોર્યા બાદ ઇટાલીમાં જ ક્યાંક ફરાર થઈ ગયો છે. પાકિસ્તાન એમેચ્યોર બોક્સિંગ ફેડરેશને આ બાબતનો ખુલાસો કર્યો છે. જોહેબ રશીદ નામનો આરોપી બોક્સર ઓલિમ્પિક ક્વોલિફાઇંગ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે ઇટાલી ગયો હતો. ફેડરેશનના એક સિનિયર અધિકારીએ જણાવ્યું હતું કે અમે ઇટાલીમાં પાકિસ્તાન દૂતાવાસને આ બાબતની જાણકારી આપી છે અને ઘટનાનો પોલીસમાં રિપોર્ટ પણ કર્યો છે. સેક્રેટરી કર્નલ નાસીર એહમદે જણાવ્યું હતું કે રશીદની આ હરકત ફેડરેશન અને દેશ માટે ઘણી શરમજનક બાબત છે. તે ઓલિમ્પિક ક્વોલિફાઇંગ ટૂર્નામેન્ટમાં ભાગ લઈ રહેલી પાંચ સભ્યની ટીમનો હિસ્સો હતો.
રશીદે ગયા વર્ષે એશિયન બોક્સિંગ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. નાસીરે જણાવ્યું હતું કે મહિલા બોક્સર લૌરા ઇકરામ પ્રેક્ટિસ માટે રિંગમાં ગઈ હતી ત્યારે જોહેબ રશીદે રૂમની ચાવી ફ્રન્ટ ડેસ્ક ઉપરથી લઈને તેના પર્સમાંથી વિદેશી કરન્સી લઈ લીધી હતી અને ત્યારબાદ તે હોટેલમાંથી ગાયબ થઈ ગયો હતો. પોલીસ બોક્સરની શોધખોળ કરી રહી છે અને તેણે હજુ સુધી ફેડરેશન કે ટીમના સભ્ય અથવા અધિકારીનો સંપર્ક સાધ્યો નથી.










