- ગરમીની સૌથી મોટી અસર મેરેથોન, ટેનિસ તથા બીચ વોલીબોલને થશે
- ફ્રાન્સની રાજધાનમાં ચાલુ વર્ષે વિક્રમી ડિગ્રીમાં ગરમી પડે તેવી સંભાવના
- વિશ્વભરના એથ્લેટ્સને ચેતવણી આપવામાં આવી છે
પેરિસ ઓલિમ્પિક દરમિયાન કાળઝાળ ગરમી અને સનસ્ટ્રોકની સમસ્યા નડે તેવી શંકા વ્યક્ત કરવામાં આવી છે. વિશ્વભરના એથ્લેટ્સને ચેતવણી આપવામાં આવી છે કે ફ્રાન્સની રાજધાનમાં ચાલુ વર્ષે વિક્રમી ડિગ્રીમાં ગરમી પડે તેવી સંભાવના છે. છેલ્લા પાંચ વર્ષમાં પેરિસે ચામડી બાળી નાખે તેવી ગરમી અને લૂનો સામનો કર્યો છે.
ઓલિમ્પિક 26મી જુલાઈથી 11મી ઓગસ્ટ સુધી યોજાશે. નોંધનીય છે કે ટોક્યો ઓલિમ્પિક દરમિયાન પણ ઘણી ગરમી પડી હતી. વેધર રિપોર્ટ અનુસાર ઓલિમ્પિક દરમિયાન બે સપ્તાહ સુધીની ભયાનક ગરમીને મોટો ખતરા સમાન જોવામાં આવી રહી છે. નોંધનીય છે કે પેરિસમાં 100 વર્ષના લાંબા ગાળા બાદ ઓલિમ્પિકનું આયોજન થઈ રહ્યું છે અને ગાળામાં ગરમીના તાપમાનમાં 1.8 ડિગ્રીનો વધારો થયો છે. 100 વર્ષમાં હીટવેવની 50 મોટી ઘટનાઓ બની ચૂકી છે. 2003ના હીટવેવમાં ફ્રાન્સમાં 14 હજાર લોકોનાં નિધન થયા હતા. પેરિસમાં ગ્રીન કવર ઘટી ગયું છે અને મોટા ભાગે ત્યાં હાઇરાઇઝ બિલ્ડિંગો બની ચૂક્યા છે જેના કારણે ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે.










