- નીતા અંબાણી ફરી એકવાર IOCના સભ્ય તરીકે સર્વસંમતિથી ચૂંટાયા
- નીતા અંબાણીની તરફેણમાં કુલ 93 મત પડ્યા હતા
- હું IOCના તમામ સાથીદારોનો મારા પરના વિશ્વાસ માટે આભાર માનું છું: નીતા અંબાણી
ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC)એ ફરી એકવાર રિલાયન્સ ફાઉન્ડેશનની સંસ્થાપક અને ચેરપર્સન નીતા અંબાણીમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. તેઓ ફરી એકવાર IOCના સભ્ય તરીકે સર્વસંમતિથી ચૂંટાયા છે. તેમની તરફેણમાં કુલ 93 મત પડ્યા હતા. નીતા અંબાણી 2016 માં રિયો ડી જાનેરો ઓલિમ્પિક ગેમ્સમાં પ્રથમ વખત IOC સભ્ય તરીકે ચૂંટાયા હતા.
'ભારતીયો માટે ગર્વની વાત': નીતા અંબાણી
નીતા અંબાણીની તરફેણમાં 100 ટકા વોટ પડ્યા હતા જેના પછી તેઓ ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC)ના સભ્ય તરીકે ચૂંટાયા હતા. તમણે કહ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક કમિટીના સભ્ય તરીકે હું પુનઃ ચૂંટાઈને ખૂબ જ સન્માનિત અનુભવુ છું અને હું IOCના મારા તમામ સાથીદારોનો મારા પરના વિશ્વાસ માટે આભાર માનું છું. ફરી એકવાર ચૂંટાવું એ મારા માટે માત્ર એક વ્યક્તિગત સીમાચિહ્નરૂપ નથી પરંતુ તે વૈશ્વિક રમતગમતના ક્ષેત્રમાં ભારતનો વધતો પ્રભાવ પણ દર્શાવે છે. હું આ આનંદ અને ગર્વની ક્ષણને ભારત અને સમગ્ર વિશ્વમાં ઓલિમ્પિકના આંદોલનને મજબૂત બનાવવા તત્પર છું.
નીતા અંબાણીના નેતૃત્વમાં બન્યું ઈન્ડિયા હાઉસ
નીતા અંબાણીના નેતૃત્વ હેઠળ ભારતને 40 વર્ષની રાહ જોયા બાદ IOC વાર્ષિક બેઠકના હોસ્ટિંગ અધિકારો મળ્યા હતા. વર્ષ 2023માં મુંબઈમાં Jio વર્લ્ડ સેન્ટર ખાતે તેનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. ઓલિમ્પિકમાં નીતા અંબાણીના નેતૃત્વમાં પ્રથમ વખત ઈન્ડિયા હાઉસ બનાવવામાં આવ્યું છે. જે પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય ખેલાડીઓ, સમર્થકો અને દર્શકો માટે ભારતથી દૂર ઘર જેવું છે.
નીતા અંબાણી અને ફ્રાન્સના રાષ્ટ્રપતિ મળ્યા
નીતા અંબાણીએ પેરિસમાં ભવ્ય સ્વાગત કર્યું હતું. આ દરમિયાન તેઓ ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને મળ્યા હતા. આ અંગે એક તસવીર પણ સામે આવી છે. ઓપનિંગ સેરેમની પહેલા ઘણા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે જેમાં નીતા અંબાણી ભાગ લેવા આવ્યા હતા. જો કે પેરિસમાં ઓલિમ્પિક ગેમ્સનું ઔપચારિક ઉદ્ઘાટન 26 જુલાઈના રોજ થશે પરંતુ આજથી જ ગેમ્સ શરૂ થઈ ગઈ છે.