- અમદાવાદની મહિલા શૂટર ઇલાવેનિલ વલારિવન 10 મીટર એર રાઇફલ માટે પસંદગી પામી
- પેરિસ ઓલિમ્પિક માટે ભારતના આઠ રાઇફલ તથા સાત પિસ્તોલ શૂટર્સની જાહેરાત
- ભારતીય મહિલા શૂટર મનુ ભાકર જ એવી ખેલાડી છે જે બે ઇવેન્ટમાં ભાગ લેશે
ભારતીય શૂટિંગ ફેડરેશને પેરિસ ઓલિમ્પિક માટે 15 સભ્યોની રાઇફલ અને પિસ્તોલ ટીમની જાહેરાત કરી છે જેમાં મહિલા શૂટર મનુ ભાકર જ એવી ખેલાડી છે જે બે ઇવેન્ટમાં ભાગ લેશે. ટીમની પસંદગી વર્ચ્યુઅલ બેઠક દ્વારા કરવામાં આવી હતી. ટીમમાં આઠ રાઇફલ અને સાત પિસ્તોલ શૂટર સામેલ છે.
પસંદગી સમિતિએ ટ્રાયલ્સના પરિણામોને પ્રાધાન્ય આપવાનો નિર્ણય કર્યો છે જેના કારણે વર્લ્ડ ચેમ્પિયન રુદ્રાક્ષ પાટિલ જેવા શૂટર્સ માટે દરવાજા બંધ થઈ ગયા છે. પાટિલ પોતાની પસંદગીની 10 મીટર એર રાઇફલમાં સારો દેખાવ કરી શક્યો નહીં હોવા છતાં તે ઓલિમ્પિક ટીમમાં પોતાને સામેલ કરવાનો આગ્રહ કરી રહ્યો છે. તેણે ઓલિમ્પિક ક્વોટા હાંસલ કર્યો છે.
ફેડરેશને એવી દલીલ કરી છે કે શૂટિંગમાં કોઈ વ્યક્તિગત ખેલાડી નહીં પરંતુ દેશને ક્વોટા આપવામાં આવે છે. ટીમના તમામ સભ્યો, કોચ અને સહાયક સ્ટાફ હાલમાં ફ્રાન્સ ખાતે વોલ્મેરેન્જ લેસ માઇન્સ કેમ્પમાં ભાગ લઈ રહ્યા છે. ઓલિમ્પિક માટે જતા પહેલાં તમામ ખેલાડીઓ બે સપ્તાહ માટે વતન પરત ફરશે. શોટગન ટીમની જાહેરાત ઇટાલીના લોનાટોમાં યોજાનારા વર્લ્ડ કપ બાદ કરવામાં આવશે. પેરિસ ઓલિમ્પિકની શરૂઆત 26મી જુલાઈથી થશે અને 11મી ઓગસ્ટે તેનું સમાપન થશે.
પેરિસ ઓલિમ્પિક માટે ભારતની શૂટિંગ ટીમ
રાઇફલ : સંદીપસિંહ, અર્જુન બબુતા (10 મીટર એર રાઇફલ મેન્સ), ઇલાવેનિલ વલારિવન, રમિતા (10 મીટર એર રાઇફલ વિમેન્સ), સિફત કૌર સમરા, અંજુમ મોદગિલ (50 મીટર રાઇફલ થ્રી પોઝિશન વિમેન્સ), ઐશ્વર્ય તોમર, સ્વપ્નિલ કુશાલે (50 મીટર રાઇફલ થ્રી પોઝિશન મેન્સ).
પિસ્તોલ : સરબજોતસિંહ, અર્જુન ચીમ (10 મીટર એર પિસ્તોલ), મનુ ભાકર અને રિધમ સાંગવાન (10 મીટર એર પિસ્તોલ વિમેન્સ), અનીશ ભાનવાલ અને વિજયવીર સિદ્ધુ (25 મીટર આરએફપી મેન્સ), મનુ ભાકર અને ઇશાસિંહ (25 મીટર પિસ્તોલ વિમેન્સ).