• સ્ટાર શૂટર મોના અગ્રવાલે પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં બ્રોન્ઝ મેડલ જીત્યો
  • રાજસ્થાનમાં જન્મેલી મોના બાળપણથી જ પોલિયોને કારણે ચાલી શકતી ન હતી
  • મોના અગ્રવાલે લગ્ન બાદ 2021માં શૂટિંગની ટ્રેનિંગ લેવાનું શરૂ કર્યું હતું

પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં સ્ટાર શૂટર મોના અગ્રવાલે બ્રોન્ઝ મેડલ જીતીને પોઈન્ટ ટેબલમાં ભારતનું ખાતું ખોલ્યું છે. 37 વર્ષની પેરા-શૂટર મોના અગ્રવાલે મહિલાઓની 10 મીટર એર રાઈફલ સ્ટેન્ડિંગ R-2 ઈવેન્ટમાં આ મેડલ જીત્યો છે.

કોણ છે મોના અગ્રવાલ?

પેરિસ પેરાલિમ્પિકમાં ભારત માટે બ્રોન્ઝ મેડલ જીતનારી મોના અગ્રવાલની કહાણી ખૂબ જ પ્રેરણાદાયી છે. તેણે પેરિસ પેરાલિમ્પિક્સ સુધી પહોંચવા માટે ઘણો સંઘર્ષ કર્યો છે. રાજસ્થાનના સીકરમાં જન્મેલી મોના બાળપણથી જ પોલિયોને કારણે ચાલી શકતી ન હતી. આ સિવાય તેને સમાજના ઘણા ટોણાનો પણ સામનો કરવો પડ્યો હતો. જેના કારણે તે પોતાનો અભ્યાસ પણ પૂરો કરી શકી ન હતી. મોનાએ હાર ન માનીને પેરા-શૂટર બનવાનું નક્કી કર્યું. તેની દાદીએ તેને આ માટે પ્રેરણા આપી હતી.

વ્હીલચેર ખરીદવા માટે પૈસા નહોતા

મોના અગ્રવાલે આ વર્ષે પેરા શૂટિંગ વર્લ્ડ કપમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેની પેરિસ પેરાલિમ્પિક ગેમ્સ માટેની તૈયારીઓ પર પણ નોંધપાત્ર અસર પડી હતી. તેણે માર્ચમાં દિલ્હીમાં યોજાયેલા વર્લ્ડ કપમાં ગોલ્ડ મેડલ જીત્યો અને ભારતને પેરાલિમ્પિક ગેમ્સ માટે નવમો અને અંતિમ ક્વોટા મળ્યો. પ્રાયોજકો પાસેથી ઈનામ તરીકે મળેલા પૈસા તેણે પોતાના ખર્ચે રાઈફલ ખરીદવા અને કોરિયામાં રમાતી સ્પર્ધામાં જવા માટે ખર્ચ્યા. આ પછી તેની પાસે વ્હીલચેર ખરીદવા માટે પણ પૈસા બચ્યા ન હતા. તેણે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાને આર્થિક મદદ માટે વિનંતી કરી હતી. મોનાને વ્હીલ ચેર માટે 6 લાખ રૂપિયાની જરૂર હતી.

લગ્ન બાદ ટ્રેનિંગ લેવાનું શરૂ કર્યુ, કોચની મોટી ભૂમિકા હતી

મોના અગ્રવાલે લગ્ન બાદ 2021માં શૂટિંગની ટ્રેનિંગ લેવાનું શરૂ કર્યું હતું. તેણે રાજસ્થાનના જોથવારમાં તેના સસરાના ઘરથી 500 મીટર દૂર આવેલી એકલવ્ય સ્પોર્ટ્સ શૂટિંગ એકેડમીમાં શૂટિંગની તાલીમ લેવાનું શરૂ કર્યું. આ રમતને આગળ લઈ જવાના ખર્ચને ધ્યાનમાં રાખીને તેનો માર્ગ ખૂબ જ મુશ્કેલ હતો. આવી સ્થિતિમાં કોચ યોગેશ શેખાવતે તેની ફી માફ કરીને મોનાની રમતને ટોચ પર લઈ જવામાં મોટી ભૂમિકા ભજવી હતી

પતિ પણ પેરા એથ્લેટ

મોના અગ્રવાલ બે બાળકોની માતા છે. તેમને અવિક અગ્રવાલ નામનો પુત્ર છે, જ્યારે તેમની પુત્રીનું નામ આરવી અગ્રવાલ છે. મોનાના પતિ રવિન્દ્ર ચૌધરી પણ પેરા-એથ્લીટ છે. તેને અકસ્માતમાં ઈજા થઈ હતી, જેના કારણે તે હાલમાં ઘરે આરામ કરી રહ્યો છે.

આ ઈવેન્ટમાં ભારતે ગોલ્ડ જીત્યો હતો

મોના અગ્રવાલે પેરિસ પેરાલિમ્પિક્સની મેડલ મેચમાં 228.7નો સ્કોર કરીને ત્રીજું સ્થાન મેળવ્યું છે. આ ઈવેન્ટમાં દક્ષિણ કોરિયાની યુનરી લીએ 246.8નો સ્કોર કરીને સિલ્વર મેડલ જીત્યો હતો અને ભારતની અવની લેખારાએ 249.7નો સ્કોર કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.


  • Follow us on: