IPL 2025 પહેલા ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે કેટલાક નવા નિયમો લાગુ કર્યા છે. ફ્રેન્ચાઇઝી સિવાય આ નિયમો ખેલાડીઓ પર પણ લાગુ થશે. બોર્ડે વિદેશી ખેલાડીઓને લઈને એક નિયમ પણ બનાવ્યો છે, જેમાં જો કોઈ ખેલાડી સિઝનની શરૂઆત પહેલા ટીમ છોડી દે છે તો તે ખેલાડી પર 2 વર્ષનો IPLમાંથી પ્રતિબંધ લગાવવામાં આવશે. જોકે હવે પેટ કમિન્સે નવા નિયમ અંગે ખુલીને વાત કરવાનું પસંદ કર્યું છે.
પેટ કમિન્સે તોડ્યું મૌન
સનરાઇઝર્સ હૈદરાબાદના કેપ્ટને નવા નિયમ પર પોતાનો અભિપ્રાય આપ્યો છે. જ્યારે કમિન્સને ખેલાડીઓ પર 2 વર્ષ માટે પ્રતિબંધ લગાવવાના નિયમ પર પ્રશ્ન કરવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું, "નિયમોમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે, પરંતુ મને ખબર નથી કે ભવિષ્યમાં તેની મારા પર કોઈ અસર થઈ હશે કે નહીં. કારણ કે મે ઓકશન પછી કયારેય મારૂ નામ પાછું ખેચ્યું નથી. પરંતુ આઈપીએલ માટે આ એક બીજું પરિબળ છે જેને ધ્યાનમાં લેવું જોઈએ.
આ સિવાય તેણે પોતાના ઈન્ટરવ્યુમાં સ્વીકાર્યું કે તેની પ્રથમ પ્રાથમિકતા ઓસ્ટ્રેલિયા માટે ટેસ્ટ ક્રિકેટ અને ICC વર્લ્ડકપ છે. આ વિષય પર બોલતા, તેણે કહ્યું કે ટેસ્ટ ક્રિકેટ ચોક્કસપણે નંબર-1 પ્રાથમિકતા છે, અને વર્લ્ડકપ પણ તેની ટોચ પર છે. હું આનો ઉપયોગ મારા બાકીના શેડ્યૂલની યોજના બનાવવા માટે કરું છું.
SRH માટે શાનદાર સુકાની
IPL 2024 પહેલા, SRHએ પેટ કમિન્સને તેના કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા હતા. કમિન્સે ટીમને મજબૂત સુકાની પણ પૂરી પાડી અને તેને ફાઇનલમાં પહોંચાડી. જો કે ઓરેન્જ આર્મીને ફાઇનલમાં KKR સામે હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ કમિન્સે તેની કેપ્ટનશિપથી માત્ર SRH ચાહકો જ નહીં પરંતુ તમામ ક્રિકેટ ચાહકોના દિલ જીતી લીધા. IPL 2024 મીની હરાજીમાં SRHએ તેને 20.50 કરોડ રૂપિયા ખર્ચીને પોતાની ટીમનો ભાગ બનાવ્યો હતો.
બોર્ડર ગાવસ્કર ટ્રોફી વિશે પણ વાત થઈ હતી
આ વખતે ઓસ્ટ્રેલિયા બોર્ડર ગાવસ્કર ટ્રોફીની યજમાની કરશે. તેણે ભારત સામેની શ્રેણી માટે પોતાની તૈયારી પૂર્ણ ગણાવી છે. આના પર વાત કરતા તેણે કહ્યું કે અમે હજુ સિરીઝથી ઘણા દૂર છીએ. તેથી કોઈપણ અંતિમ નિર્ણય લેતા પહેલા અમારી પાસે સમય છે.