- 12 સિઝનમાં સનરાઇઝર્સ હૈદરાબાદનો 10મો સુકાની બન્યો
- વોર્નરે સૌથી વધારે સિઝનમાં નેતૃત્વ કર્યું છે
- 2023માં માર્કરામ સુકાની હતો
આઇપીએલ 2024ની સિઝનનો ચાલુ મહિનાના લગભગ અંત ભાગમાં પ્રારંભ થઈ જશે અને લીગના કેટલાક દિવસ પહેલાં જ સનરાઇઝર્સ હૈદરાબાદ ફ્રેન્ચાઇઝીએ આગામી સિઝન માટે ઓસ્ટ્રેલિયાના પેસ બોલર પેટ કમિન્સને સુકાની બનાવ્યો છે. છેલ્લી સિઝનમાં એડન માર્કરામે નેતૃત્વ કર્યું હતું. માર્કરામની કેપ્ટનશિપ હેઠળ સાઉથ આફરીકા ટી20માં હૈદરાબાદની સિસ્ટર ફ્રેન્ચાઇઝી ઇસ્ટર્ન કેપે બે વખત ટાઇટલ જીત્યું છે. કમિન્સને ગયા મહિનાના અંત ભાગમાં યોજાયેલી મિની હરાજીમાં હૈદરાબાદની ટીમે 20 પ્લસ કરોડની જંગી રકમથી ખરીદ્યો હતો. હૈદરાબાદની ટીમ એવી છે જેમાં કોઈ પણ સુકાની લાંબા સમય સુધી ટકી શકતો નથી. હૈદરાબાદ અત્યાર સુધીની 12 સિઝનમાં 10 સુકાની બદલ્યા છે. પ્રથમ સિઝનમાં કુમાર સંગાકારા સુકાની હતો જેમાં ટીમે પાંચ વિજય અને ચારમાં પરાજયનો સામનો કર્યો હતો. સિઝનની અધવચ્ચે કેમરુન વ્હાઇટને સુકાની બનાવવામાં આવ્યો હતો. 2013માં ટીમ પ્લે ઓફ સુધી પહોંચી હતી. ત્યારબાદ શિખર ધવનને 2013માં કેપ્ટન બનાવવામાં આવ્યો હતો અને સિઝનની અધવચ્ચે ડેરેન સેમ્મીને નેતૃત્વ સોંપાયું હતું.
વિન્ડીઝને બે વખત ટી20માં ચેમ્પિયન બનાવનાર સેમ્મીના નેતૃત્વમાં હૈદરાબાદ પ્લે ઓફ સુધી પણ પહોંચી નહોતી અને છઠ્ઠા ક્રમે રહી હતી. ત્યારબાદ વોર્નરે 2015થી 2017 સુધી, 2020 અને 2021માં કેપ્ટનશિપનો ભાર સંભાળ્યો હતો અને 2016માં ટીમ ચેમ્પિયન બની હતી. વોર્નરે કુલ 67 મેચમાં નેતૃત્વ કર્યું હતું અને આ દરમિયાન ટીમે 35 વિજય મેળવ્યા હતા. 2018માં કેન વિલિયમ્સનને વોર્નરનું સ્થાન અપાયું હતું અને 2019થી 2021 સુધી ભુવનેશ્વર કુમારને સુકાની બનાવવામાં આવ્યો છે. 2021માં મનીષ પાંડેએ કેટલીક મેચોમાં નેતૃત્વ કર્યું હતું અને 2023માં માર્કરામ સુકાની હતો. આગામી સિઝનમાં કમિન્સને સુકાનીપદનો કાંટાળો તાજ પહેરાવવામાં આવ્યો છે.










