- પેટ તેની માતાની સંભાળ માટે તેમની સાથે રહેવા ઓસ્ટ્રેલિયા ગયો છે
- પેટની ગેરહાજરીમાં સ્ટીવ સ્મિથ ટીમની કમાન સંભાળશે
- પેટે તેના સાથી ખેલાડીઓ સાથે ચર્ચા કર્યા બાદ ઘરે પરત ફરવાનું નક્કી કર્યું
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચોની સીરિઝ રમાઈ રહી છે. આ સીરિઝની ત્રીજી મેચ 1લી માર્ચથી ઇન્દોરમાં રમાવાની છે. આ સીરિઝમાં ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સ હવે ત્રીજી ટેસ્ટ તેમજ ચોથી ટેસ્ટ અને ODI સીરિઝ પણ ચૂકી શકે છે. કારણ કે પેટ તેની માતાની સંભાળ માટે તેમની સાથે રહેવા ઓસ્ટ્રેલિયા પરત ફર્યો છે. સાથે જ તેની ગેરહાજરીમાં સ્ટીવ સ્મિથ ટીમની કમાન સંભાળશે. એક અહેવાલ મુજબ ઓસ્ટ્રેલિયા ટેસ્ટ સીરિઝની શરૂઆતની બંને મેચ હારી ગયા બાદ ઓસ્ટ્રેલિયા ક્રિકેટ દ્વારા કેપ્ટન પેટ કમિન્સને સ્વદેશ પરત ફરવાનો અથવા ટીમ સાથે રહેવાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો. જોકે, પેટે તેના સાથી ખેલાડીઓ સાથે ચર્ચા કર્યા બાદ ઘરે પરત ફરવાનું નક્કી કર્યું. આમ તો તે ત્રીજી ટેસ્ટ માટે પરત ફરવાનો હતો પરંતુ તેની માતા બ્રેસ્ટ કેન્સર સામે ઝઝૂમી રહી છે જેના કારણે તેની પરત ફરવાની શક્યતા ઘણી ઓછી છે.

બીમાર માતા સાથે સમય વિતાવવા માગે છે કમિન્સ
બીજી તરફ ઈન્દોર ટેસ્ટ પહેલા ઓસ્ટ્રેલિયન બેટ્સમેન પીટર હેન્ડ્સકોમ્બે કહ્યું કે તેઓ ઘણા સારા છે અને કોઈપણ કામ કે બિઝનેસ પહેલા પરિવાર હજુ પણ પહેલી પ્રાથમિકતામાં આવે છે. તેમજ જો કંઈક ચાલી રહ્યું છે તો તમારે ઘરે પાછા ફરવા માટે સક્ષમ બનવું પડશે કારણ કે ક્રિકેટ હંમેશા રહેશે. ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયન ટીમને ભારત સામેની ટેસ્ટ સીરિઝ બાદ ODI સીરિઝ પણ રમવાની છે અને ODI સીરિઝ ટીમ માટે ખૂબ જ મહત્ત્વની બની રહી છે કારણ કે ODI વર્લ્ડ કપ આ વર્ષના અંત સુધીમાં ભારતમાં રમવાનો છે. તેમજ આ વનડે સીરિઝ ટીમને ઘણી મદદ કરશે. જોકે, સ્ટીવ સ્મિથ બાકીની મેચોમાં ટીમની કપ્તાની સંભાળશે. જ્યારે પેટ ભારત પ્રવાસ અને એશિઝ ટૂર અને ODI વર્લ્ડ કપ માટે તેના ઘરથી દૂર જવાનો છે, તેથી તે અત્યારે તેની માતા સાથે રહેવા માગે છે.

સંકટ સામે ઝઝૂમી રહેલી ઓસ્ટ્રેલિયન ટીમ
ભારતના પ્રવાસે આવેલી ઓસ્ટ્રેલિયન ટીમના મોટાભાગના ખેલાડીઓ ઈજાના કારણે પરેશાન છે. ડેવિડ વોર્નર ઈજાના કારણે દિલ્હી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો હતો અને આ સીરિઝમાંથી બહાર થઈ જતાં તે ઘરે પણ ગયો છે. તેમજ મિશેલ સ્ટાર્ક, જોશ હેઝલવુડ અને કેમેરોન ગ્રીન ઈજાના કારણે INDvAUSની પહેલી બે ટેસ્ટ મેચમાં રમી શક્યા ન હતા. હવે પેટ કમિન્સ પણ ઓસ્ટ્રેલિયા પરત ફર્યો છે. કપ્તાન હોવાની સાથે કમિન્સ ઓસ્ટ્રેલિયન ટીમના ફાસ્ટ બોલિંગ આક્રમણનો મુખ્ય આધાર છે. હવે તેના સ્વદેશ પરત ફરવાના કારણે ઓસ્ટ્રેલિયન ટીમ મુશ્કેલીમાં મુકાઈ ગઈ છે.