- ઓસ્ટ્રેલિયાએ છઠ્ઠી વખત ODI વર્લ્ડકપનો ખિતાબ જીત્યો
- પેટ કમિન્સે ટોસ જીતીને બોલિંગ કરવાના નિર્ણય અંગે કર્યો ખુલાસો
- પેટ કમિન્સે મેચ જીતીને પોતાનો નિર્ણય સાચો સાબિત કર્યો
પેટ કમિન્સની આગેવાનીમાં ઓસ્ટ્રેલિયાએ વર્લ્ડકપ 2023ની ફાઇનલમાં ભારતને હરાવીને છઠ્ઠી વખત ODI વર્લ્ડકપનો ખિતાબ જીત્યો હતો. ફાઈનલ મેચમાં કેપ્ટન પેટ કમિન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કરીને બધાને ચોંકાવી દીધા હતા. કારણ કે કેપ્ટન રોહિત શર્મા પણ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવા માંગતો હતો, પરંતુ જ્યારે પેટ કમિન્સે ટોસ જીત્યો ત્યારે બધાને લાગ્યું કે હવે કમિન્સ પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કરશે, પરંતુ તેણે પોતાના નિર્ણયથી બધાને ચોંકાવી દીધા. હવે કમિન્સે પણ પોતાના નિર્ણય પાછળનો ખુલાસો કર્યો છે.
કમિન્સે ફાઇનલમાં બોલિંગ કેમ પસંદ કરી?
ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે ફાઈનલમાં પોતાના બોલિંગ નિર્ણય વિશે કહ્યું કે તમે જાણો છો કે વર્લ્ડકપની મેચોમાં તમે બોલિંગમાં ભૂલ કરી શકો છો અને તેનાથી ખરેખર બહુ ફરક પડતો નથી, પરંતુ જો તમે બેટિંગમાં ભૂલ કરો છો. બોલિંગ પર દબાણ વધી જાય છે અને તે ભાતક સાબિત થઇ શકે છે. તેથી મને લાગ્યું કે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો આ યોગ્ય સમય છે. જો કે પેટ કમિન્સના આ નિર્ણયથી ઓસ્ટ્રેલિયન ચાહકોને ખૂબ જ આશ્ચર્ય થયું હતું, પરંતુ બાદમાં તેણે મેચ જીતીને પોતાનો નિર્ણય સાચો સાબિત કર્યો હતો.
ટોસને લઇને મારા મગજમાં ઘણા પ્રશ્નો હતા
કમિન્સે વધુમાં કહ્યું, "ટોસને લઈને મારા મગજમાં ઘણા પ્રશ્નો હતા પરંતુ મને લાગ્યું કે આજે રાત્રે બેટિંગ કરવા માટે વિકેટ વધુ સારી હશે." જોકે, 240 રનના ટાર્ગેટનો પીછો કરતી વખતે ઓસ્ટ્રેલિયાની ટીમને શરૂઆતમાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને ટીમે માત્ર 47 રનના સ્કોર પર પોતાની 3 વિકેટ ગુમાવી દીધી હતી.
આ કારણે ભારતની હાર થઇ
પરંતુ તે પછી ટ્રેવિસ હેડ અને માર્નસ લાબુશેને માત્ર ઇનિંગ્સને સંભાળી જ નહીં પરંતુ ટીમને જીત તરફ પણ દોરી. ફાઇનલમાં આ બંને વચ્ચે 192 રનની ભાગીદારી થઇ હતી. આ ભાગીદારી તોડી ન શકવાથી ટીમ ઈન્ડિયાનો પરાજય થયો હતો. આ મેચમાં હેડે 137 રન અને લાબુસેને 58 રન બનાવ્યા હતા. આ જીત સાથે ઓસ્ટ્રેલિયન ટીમે છઠ્ઠી વખત ODI વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો.