- ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપના સત્તાવાર કાર્યક્રમની આતુરતાથી રાહ જોવાઈ રહી છે
- એશિયા કપ 2023 હાઇબ્રિડ મોડલ હેઠળ પાકિસ્તાન અને શ્રીલંકામાં યોજાશે
- પીસીબી અધ્યક્ષે કહ્યું કે, અમે અમદાવાદમાં રમીશું કે નહીં, તે સમય આવશે ત્યારે નક્કી થશે
તમામ ક્રિકેટપ્રેમીઓ આ વર્ષના અંતમાં ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપના સત્તાવાર કાર્યક્રમની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. એશિયા કપને લઈને બીસીસીઆઈ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ વચ્ચેના વિવાદના સમાધાન બાદ બધાને આશા હતી કે હવે વર્લ્ડ કપને લઈને પણ બધુ સ્પષ્ટ થઈ જશે. પરંતુ હવે પીસીબી પ્રમુખ નજમ સેઠીએ પોતાના નિવેદનથી બધાને ચોંકાવી દીધા છે.
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડના પ્રમુખ નજમ સેઠીએ કહ્યું કે, ભારતમાં યોજાનાર ODI વર્લ્ડ કપમાં પાકિસ્તાની ક્રિકેટ ટીમની ભાગીદારીનો નિર્ણય સરકારની મંજૂરી પર નિર્ભર રહેશે. નજમ સેઠીના આ નિવેદન બાદ હવે ICC માટે સત્તાવાર શેડ્યૂલની જાહેરાત કરવી આસાન નહીં હોય. નજમ સેઠીએ પત્રકારોને જણાવ્યું હતું કે જ્યાં સુધી ભારત અને પાકિસ્તાનનો સંબંધ છે, ન તો BCCI કે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ આ અંગે કોઈ નિર્ણય લઈ શકે છે. આમાં નિર્ણય બંને દેશોની સંબંધિત સરકારો પર નિર્ભર છે. આ કારણોસર, અમે સરકારની મંજૂરી પછી જ અમારી ટીમને ભારત મોકલવાનો નિર્ણય લઈ શકીશું.










