તાજેતરમાં ફખર ઝમાનની એક સોશિયલ મીડિયા પોસ્ટે પાકિસ્તાન ક્રિકેટમાં હલચલ મચાવી દીધી હતી. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે બાબર આઝમને ઈંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝની છેલ્લી 2 મેચમાંથી બહાર કરી દીધા હતા. ત્યારબાદ ફખર ઝમાને કટાક્ષ કરતા કહ્યું કે PCBએ બાબર આઝમને તેના ખરાબ સમયમાં સાથ આપવો જોઈએ અને તેને પડતો ન મૂકવો જોઈએ. જેમ કે જ્યારે BCCIએ 2020-2023 યુગ દરમિયાન વિરાટ કોહલીને છોડ્યો ન હતો.


ફખર ઝમાન ટીમમાંથી થઈ શકે છે બહાર

નવેમ્બર મહિનામાં પાકિસ્તાનની ટીમ 3 ODI અને 3 T20 મેચ માટે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે જઈ રહી છે. હવે એક મીડિયા રિપોર્ટ અનુસાર, PCB સૂત્રએ કહ્યું છે કે ફખર ઝમાનને આ સિરીઝમાંથી બહાર કરવામાં આવી શકે છે. તેનું એક મુખ્ય કારણ એ છે કે ફખર 8 મિનિટમાં 2 કિલોમીટરનો રાઉન્ડ પૂરો કરી શક્યો ન હતો.

ફિટનેસ ટેસ્ટમાં નાપાસ થયો

PCBના એક સૂત્રએ જણાવ્યું હતું કે ફખર ઝમાન વેસ્ટ ઈન્ડિઝથી પરત ફર્યા બાદ ફિટનેસ ટેસ્ટમાં નિષ્ફળ ગયો હતો. તેને 8 મિનિટમાં 2 કિમીની રેસ પૂરી કરવાનું કહેવામાં આવ્યું હતું, જે તે પૂરી કરી શક્યો નહીં. આ સિવાય તે ઘૂંટણની ઈજાથી પણ ઝઝૂમી રહ્યો છે. તે ડોમેસ્ટિક ક્રિકેટમાં રમતા જોવા મળ્યો છે, પરંતુ સૂત્રોના જણાવ્યા અનુસાર બોર્ડ નથી ઈચ્છતું કે ફખર ઝમાન તેના ઘૂંટણ પર વધુ પડતા તણાવને કારણે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થાય.

પાકિસ્તાનની ટીમમાં પરિવર્તનનો સિલસિલો

તાજેતરમાં જ પાકિસ્તાની ટીમની પસંદગી સમિતિમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. પૂર્વ ક્રિકેટર આકિબ જાવેદ ચીફ સિલેક્ટર બની ગયા છે અને તેમના આગમનની સાથે જ પાકિસ્તાનની ટીમમાં પરિવર્તનનો સિલસિલો ચાલી રહ્યો છે. આ દરમિયાન એ વાત પણ સામે આવી છે કે બાબર આઝમના સમર્થનમાં આપેલું ફખર ઝમાનનું નિવેદન PCBના વરિષ્ઠ અધિકારીઓને પસંદ આવ્યું નથી. તે ટિપ્પણી પણ ફખરની ટીમમાંથી બહાર થવાનું કારણ ગણી શકાય છે.


  • Follow us on: