• ફોટોશૂટ દરમિયાન વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ તથા હાર્દિક પંડયા ગેરહાજર રહ્યા

  • આઇપીએલ દરમિયાન આઇસીસી ઇવેન્ટ માટે ટીમની સત્તાવાર જાહેરાત થાય તેવી સંભાવના
  • ટોપ ઓર્ડરમાં વિકેટકીપરની જગ્યા નથી

જૂન મહિનામાં અમેરિકા અને વેસ્ટ ઇન્ડિઝની સંયુક્ત યજમાનીમાં આઇસીસી ટી20 વર્લ્ડ કપ રમાવાનો છે. આ ઇવેન્ટ માટેની ભારતીય ટીમની જાહેરાત IPL દરમિયાન થાય તેવી સંભાવના છે. જોકે આઇપીએલના પ્રદર્શનનું ભારતીય ટીમની પસંદગી ઉપર વધારે કોઈ ફરક પડે તેમ નથી કારણ કે ધર્મશાલા ખાતે ઇંગ્લેન્ડ સામે રમાનારી પાંચમી અને અંતિમ ટેસ્ટ પહેલાં ટી20 વર્લ્ડ કપ માટેના પસંદ કરાયેલા ખેલાડીઓનું ફોટોશૂટ થયું હતું. ટેસ્ટ ટીમના ખેલાડીઓની સાથે અન્ય કેટલાક એવા ખેલાડીઓ હતા જેઓ પાંચમી ટેસ્ટનો હિસ્સો નથી. આ ફોટોશૂટથી કયા ખેલાડીની ટી20 વર્લ્ડ કપ માટેની ટિકિટ કન્ફર્મ થઈ ચૂકી છે તેનો અંદાજો આવી જાય છે. જોકે ખેલાડીઓના નામ ઉપર અંતિમ મહોર તો પસંદગી સમયે જ લાગશે. ફોટોસેશનમાં રોહિત શર્મા, યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, રવીન્દ્ર જાડેજા, જિતેશ શર્મા, ધ્રુવ જુરેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, મુકેશ કુમાર, રિંકુસિંહ તથા અક્ષર પટેલ હાજર રહ્યા હતા. 15 સભ્યમાં બાકી રહેલા ત્રણ ખેલાડીઓમાં વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ તથા હાર્દિક પંડયાનો સમાવેશ થાય છે.

ધર્મશાલા ખાતે સાતમીથી ઇંગ્લેન્ડ સામે રમાનારી અંતિમ ટેસ્ટ મેચ માટે ભારતીય ટીમે મંગળવારથી પ્રેક્ટિસનો પ્રારંભ કર્યો હતો. ખેલાડીઓ ફિલ્ડિંગ ડ્રિલ્સ ઉપર ધ્યાન આપવા ઉપરાંત નેટ્સમાં કેટલોક સમય પસાર કર્યો હતો.

ટોપ ઓર્ડરમાં વિકેટકીપરની જગ્યા નથી

ટી20 વર્લ્ડ કપ માટે રોહિત શર્માના નેતૃત્વ હેઠળની ભારતીય ટીમના ટોપ ઓર્ડરમાં કોઈ સ્થાન ખાલી નથી. રોહિત, જયસ્વાલ, ગિલ, વિરાટ કોહલીની સાથે સૂર્યકુમાર તથા હાર્દિક પણ રહેશે. આ સ્થિતિમાં ટોપ ઓર્ડરમાં કોઈને અંદર સામેલ કરવો અત્યંત મુશ્કેલ છે. બોલિંગમાં મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજે વન-ડે વર્લ્ડ કપમાં શાનદાર દેખાવ કર્યો હતો. શમીએ તાજેતરમાં જ સર્જરી કરાવી હોવાના કારણે તેને રિકવરી મેળવવામાં સમય લાગી શકે છે.

ધ્રુવ જુરેલને ટિકિટ મળે તેવા સંકેત

ફોટોશૂટમાં હાજર રહેલા 12 ખેલાડીઓમાં બે ખેલાડી ટેસ્ટ ટીમના સભ્ય નથી પરંતુ ચકિત કરે તેવી બાબત એ છે કે ફોટોશૂટમાં ધ્રુવ જુરેલનું પણ નામ હતું. તે અત્યાર સુધી વ્હાઇટ બોલ ક્રિકેટમાં ભારત માટે રમ્યો નથી. ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રોણીમાં તેણે પ્રભાવશાળી દેખાવ કર્યો છે. તેને ટી20 વર્લ્ડ કપમાં વિકેટકીપર તરીકે જિતેશ શર્મા સાથે સ્થાન મળી શકે છે. ભારતીય મેનેજમેન્ટ પાંચમા કે છઠ્ઠા સ્થાને બેટિંગ કરી શકે તેવા વિકેટકીપરની શોધમાં છે.

ટી20 વર્લ્ડ કપ માટેની સંભવિત ભારતીય ટીમ ।

 રોહિત શર્મા (સુકાની), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડયા, રવીન્દ્ર જાડેજા, જિતેશ શર્મા, ધ્રુવ જુરેલ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, મુકેશકુમાર, રિંકુસિંહ, અક્ષર પટેલ, અર્શદીપસિંહ.


  • Follow us on: