- ભારતનો પહેલો મેડલ જીત્યા બાદ દેશના વડાપ્રધાને મનુ ભાકરને ફોન કરીને અભિનંદન પાઠવ્યા છે
- મનુ ભાકરે હજુ પેરિસમાં વધુ બે ઈવેન્ટમાં મેચ રમવાની છે
- પીએમ મોદીએ અન્ય ખેલાડીઓ વિશે કરી આ વાત
સ્ટાર શૂટર મનુ ભાકરે રવિવારે પેરિસ ઓલિમ્પિક 2024માં મહિલાઓની 10 મીટર એર પિસ્તોલની ફાઈનલમાં બ્રોન્ઝ મેડલ જીતીને શૂટિંગમાં ઓલિમ્પિક મેડલ માટેની ભારતની 12 વર્ષની રાહનો અંત આણ્યો હતો અને પેરિસ ઓલિમ્પિકમાં ભારતનું મેડલ ખાતું ખોલ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતીને શૂટિંગમાં ભારતનો પહેલો મેડલ જીતનાર મનુ ભાકરને અભિનંદન આપતાં કહ્યું હતું કે તેમને વિશ્વાસ છે કે તે ભવિષ્યની સ્પર્ધાઓમાં પણ સારું પ્રદર્શન કરશે.
હું ખૂબ જ ઉત્સાહિત અને ખુશ છું: પીએમ મોદી
તે ઓલિમ્પિક મેડલ જીતનારી પહેલી ભારતીય મહિલા શૂટર પણ બની અને વડાપ્રધાન મોદીએ તેની સાથે ફોન પર વાત કરી હતી અને કહ્યું હતું કે, તમને ખૂબ ખૂબ અભિનંદન. ઘણા બધા અભિનંદન. તમારી સફળતાના સમાચાર સાંભળીને હું ખૂબ જ ઉત્સાહિત અને ખુશ છું.
ઓલિમ્પિકમાં મેડલ જીતનારી દેશની પહેલી મહિલા શૂટર મનુ ભાકર
વડાપ્રધાન મોદીએ ભાકરને કહ્યું કે તમારો સિલ્વર 0 .1 પોઈન્ટથી રહી ગયો છો પરંતુ તેમ છતાં તમે દેશને ગૌરવ અપાવ્યું છે. તમને બે પ્રકારની ક્રેડિટ મળી રહી છે. પહેલો બ્રોન્ઝ મેડલ લાવ્યો અને બીજું તમે ઓલિમ્પિકમાં મેડલ જીતનારી દેશની પહેલી મહિલા શૂટર બની.
વડાપ્રધાન મોદીએ ટોક્યો ઓલિમ્પિકને લઈને પણ કરી વાત
વડા પ્રધાને વધુમાં કહ્યું કે ટોક્યો ઓલિમ્પિકમાં પિસ્તોલએ તમને દગો આપ્યો પરંતુ આ વખતે તમે બધી ખામીઓ પૂરી કરી. મને ખાતરી છે કે તમે ભવિષ્યની સ્પર્ધાઓમાં પણ સારું પ્રદર્શન કરશો. શરૂઆત એટલી સારી રહી છે કે ભવિષ્ય માટે ઉત્સાહ અને આત્મવિશ્વાસ વધશે અને દેશને પણ તેનો લાભ મળશે.
પીએમ મોદીએ અન્ય ખેલાડીઓ વિશે કરી આ વાત
વડાપ્રધાન મોદીએ મનુને પૂછ્યું કે શું ત્યાં અન્ય તમામ ખેલાડીઓ સારા અને ખુશ છે. અમે ત્યાં અમારા ખેલાડીઓને શક્ય તેટલી વધુ સુવિધાઓ આપવાનો પ્રયાસ કર્યો છે. આના પર મનુએ કહ્યું કે અહીં તમામ ખેલાડીઓ ખુશ છે અને તમામ સુવિધાઓ મળી છે. વડાપ્રધાને તેને વધુમાં કહ્યું કે તમારી મહેનતનું ફળ મળવાનું છે. તમારા પિતા ખૂબ ખુશ થશે કારણ કે તેમને તમને ખૂબ પ્રોત્સાહન આપ્યું છે. મારા તરફથી પણ તમને ઘણા આશીર્વાદ છે.
Image Courtesy: X